Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

વેપારીઓને રાહત...જીએસટી પોર્ટલ પર હવે ITCની બે કોલમ દેખાશે

વેપારીઓએ રિટર્ન ભરતી વખતે ITC મેચ કરવા ચોપડા જોવા નહીં પડે : જીએસટીઆર ૨માં કલેઇમ કરવાની અને નહીં કરવાની બંને ક્રેડિટ દેખાશે

નવી દિલ્હી, તા.૧૦: કરદાતાઓને જીએસટી રીટર્ન ભરતી વખતે આઇટીસી લેવા માટે કેટલીક વખત બિલ બુક તપાસવી પડતી હોય છે. તેમાંથી છુટકારો મળશે. વેપારીઓને પોર્ટલ પર જ જીએસટીઆર રના ટેબલમાં બે અલગ અલગ કોલમ જોવા મળશે. એક કોલમમાં વેપારીએ જે આઇટીસી લેવાની હશે તે દર્શાવવામાં આવશે. બીજી કોલમમાં એવી આઈટીસી દર્શાવેલી હશે કે જેનો કલેઈમ કરી શકશે નહીં.

અત્યાર સુધી જીએસટીઆર રના દશ રીટર્નમાં વેપારીઓએ જીએસટીની રકમ ભરી હોય તેની જ આઇટીસી પર દર્શાવવામાં આવતી હતી. જયારે જે વેપારી પાસેથી માલ ખરીદી કરીને સામેવાળા વેપારીએ જીએસટી પેટે રકમ ચુકવી દીધી હોવા છતાં રીટર્ન ભર્યુ નહીં હોવાથી તેવી આઇટીસી જીએસટીઆર રના રીટર્નમાં દર્શાવવામાં આવતી નહોતી. પરંતુ આગામી દિવસોમાં જીએસટી પોર્ટલ પર આવી તમામ વિગતો દર્શાવવામાં આવશે. તેના કારણે વેપારીએ રીટર્ન ભરતી વખતે બિલ બુક તપાસવામાંથી છુટકારો મળવાની શકયતા રહેલી છે.

આ અંગે ટેકસ કન્સલટન્ટ નારાયણ શર્માએ જણાવ્યુ હતુ કે પોર્ટલ પર આવી સુવિધા મળવાના કારણે વેપારીઓને સૌથી વધુ રાહત મળવાની છે. તેમજ કઇ આઇટીસી મળી શકે અને કઇ આઇટીસી નહીં મળી શકે તેની જાણકારી સરળતાથી મળી રહેશે.(૨૩.૨)

વધુ ITC લેનાર સામે કડક કાર્યવાહીની શકયતા

હવેથી આ સુવિધા શરૂ થયા બાદ વેપારીએ વધુ આઇટીસી લીધી હશે તો નોટીસ મળવાની સાથે સાથે વ્યાજ અને દંડની પણ વસુલાત કરવામાં આવે તેવી શકયતા વધી જાય છે. જેથી આઇટીસી કલેઇમ કરવાના નિયમો કડક કરવાના પણ આ સુવિધા થકી પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે.

(9:52 am IST)