Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

નાઇઝરના મરાડી શહેરની એક શાળામાં અચાનક ભીષણ આગ લાગતા ર૦ બાળકોએ જીવન ગુમાવ્‍યો : જયારે ડઝનેક લોકો ઘાયલ થયા

નાઈઝર : નાઈઝર ના બીજા સૌથી મોટા શહેર મરાડીની એક શાળામાં ભીષણ આગ ફાટી નીકળી હતી.જેના કારણે 20થી વધુ બાળકોના મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા છે.

સોમવારે મોડી સાંજે સરકારે કહ્યું કે, એએફએન નામની પ્રિ-સ્કૂલ અને પ્રાથમિક શાળામાં આગ લાગવાને કારણે ભૂસાથી બનેલા ત્રણ વર્ગ બળી ગયા. આ અકસ્માતમાં માર્યા ગયેલા બાળકોમાં ત્રણથી આઠ વર્ષની વયના બાળકોનો સમાવેશ થાય છે. રિજનલ ડાયરેક્શન ઓફ નેશનલ એજ્યુકેશને આગની ઘટના કેવી રીતે બની તે માટે તપાસના આદેશ આપ્યા છે.

પશ્ચિમ આફ્રિકાના નાઈઝરમાં ગીચ વસ્તીવાળી સ્કૂલમાં હંમેશા ઘાસની ઝૂપડીનો ઉપયોગ કામચલાઉ ક્સાસરૂમ બનાવવા માટે થાય છે. એપ્રીલમાં નાઈઝરની રાજધાની નિયામીના બહારના વિસ્તારમાં એક પ્રાઈમરી સ્કૂલમાં ભારે પવનના કારણે આગ લાગવાથી 20 બાળકોના મોત થયા હતા. આ અંગે શિક્ષકો અને વાલીઓએ કહ્યું કે, આ મોત કામચલાઉ ક્લાસરૂમના ખતરાને દર્શાવે છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા UNICEFએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું. સંયુક્ત રાષ્ટ્ર પશ્ચિમી આફ્રિકાના આ ગરીબ દેશને મદદ કરવા ઘણી યોજના ચલાવે છે.

નાઈઝરમાં UNICEFના પ્રતિનિધિ સ્ટેફાનો સાવીએ એક નિવેદનમાં કહ્યું, આગ લાગવાની આ ઘટનામાં પ્રભાવિત થયેલા બાળકો અને પરિવારોની સાથે અમે ઉભા છીએ. પીડિતોના પરિવારો અને તેમના સમુદાયો પ્રત્યે અમારી ઉંડી સંવેદના છે. તેમણે કહ્યું, સ્કૂલમાં ભણતા કોઈપણ બાળકને ક્યારેય પણ કોઈપણ વાતનો ખતરો ન હોવો જોઈએ. UNICEF દેશભરમાં રાષ્ટ્રીય અધિકારીઓ અને ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખશે જેથી તે ખાતરી થઈ શકે કે બાળકો સ્કૂલે જઈ શકે અને સુરક્ષિત વાતાવરણમાં ભણી શકે. નાઈઝર વિશ્વના ગરીબ દેશોમાં આવે છે અને ત્યાં શિક્ષણ મેળવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પહેલા ઓગસ્ટમાં ક્ષિણ-પશ્ચિમ નાઈઝરના એક ગામમાં હથિયારધારી લોકોએ હુમલો કર્યો હતો જેમા 14 બાળકો સહિત 37 નાગરિકોના મોત થયા હતા. એકલા આ વર્ષમાં આ વિસ્તારમાં સેંકડો લોકોની આતંકીઓએ હત્યા કરી દીધી છે. એવુ જણાવવામાં આવ્યું છે કે, માલી નજીક નાઈઝરની સીમાની પાસે તિલબેરી ક્ષેત્રના બાનીબાંગોના કમ્યૂનમાં અજ્ઞાત હુમલાવરોએ ફાયરિંગ કર્યું હતું.

(12:00 am IST)