Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

વડાપ્રધાન મોદીએ 'ઈદે મિલાદ' ની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન મોદી સહિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત અને યોગી આદિત્યાનાથે પણ શુભેચ્છા પાઠવી

 નવી દિલ્હી: મુસ્લિમ સમાજના ધર્મગુરુ મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ એટલે 'ઈદે મિલાદ' નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજા મહિના રબી-ઉલ-અવ્વલની 12મી તારીખે ઇ.સ. 571માં મોહમ્મદ સાહેબનો જન્મ થયો હતો. પૈગમ્બર મોહમ્મદ સાહેબના જન્મદિવસના અવસર પર વડાપ્રધાન મોદી સહિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે પણ શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, મિલાદ-ઉન-નબીની શુભેચ્છાઓ. પૈગમ્બરના વિચારોથી પ્રેરિત થઇને આ દિવસે સમાજમાં સદ્ભાવ અને કરુણાની ભાવનાને વધારી શકાય છે. ચારેય બાજુ શાંતિ ફેલાવી શકાય છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, પૈગમ્બર મોહમ્મદના જન્મદિવસ ઈદ મિલાદ-ઉન-નબીના અવસરની તમામ નાગરિકોને શુભેચ્છાઓ. વિશેષ રીતે ભારત અને વિદેશમાં વસવાટ કરી રહેલા આપણા મુસ્લિમ ભાઇ અને બહેનોને. તેમનો સાર્વભૌમિક ભાઇચારો અને કરુણાનો સંદેશ આપણા તમામને કલ્યાણ માટે કામ કરવા પ્રેરિત કરે છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું કે, બધા લોકોને ઈદ મિલાદ-ઉન-નબીની શુભકામનાઓ. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના આપણા ભાઇ-બહેનોને જે ચાર માસથી મુશ્કેલીઓ અને હાલાકીઓનો સામનો કરી રહ્યા છે.

(8:15 pm IST)