Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

બાબરીના ધ્વંસના દોષિતને ક્યારે સજા થશે : દિગ્વિજયસિંહ

દિગ્વિજયસિંહે સુપ્રીમના ચુકાદા બાદ પ્રશ્ન કર્યો : રામ જન્મભૂમિ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદને તોડવાના કૃત્ય ગેરકાનૂની ગણાવ્યું છે : દિગ્વિજયસિંહનો દાવો

નવીદિલ્હી, તા. ૧૦ : અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયા બાદ કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહે ટિપ્પણી કરીને ફરી એકવાર વિવાદ જગાવ્યો છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે એકબાજુ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે. બીજી બાજુ પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. દિગ્વિજયસિંહે કહ્યું છે કે, બાબરી મસ્જિદ તોડનારને સજા ક્યારે આપવામાં આવશે. પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેલા દિગ્વિજયસિંહે ચુકાદાના એક દિવસ બાદ જ મૌન તોડીને આ મુજબનો પ્રશ્ન કર્યો છે. સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ ચુકાદામાં બાબરી મસ્જિદને તોડવાના કૃત્યને ગેરકાયદે અપરાધ ગણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દોષિતોને સજા મળી શકશે કે કેમ તે જોવાની બાબત રહેશે. ૨૭ વર્ષનો ગાળો થઇ ચુક્યો છે. તેમણે કહ્યું છે કે, કોર્ટના ચુકાદાને લઇને કોંગ્રેસ હંમેશા બંધારણની હદમાં રહીને સમાધાન શોધવાની તરફેણમાં રહી છે. રામ જન્મભૂમિના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જે કંઇપણ ચુકાદો આપ્યો છે તેનું સન્માન થવું જોઇએ. કોંગ્રેસે હંમેશા કહ્યું હતું કે, દરેક વિવાદનો ઉકેલ બંધારણ દ્વારા સ્થાપિત કાનૂનો અને નિયમની હદમાં રહીને શોધવો જોઇએ.અયોધ્યાનો ચુકાદો આવી ગયો છે. બીજી બાજુ બાબરી મસ્જિદ હિંસાના મામલામાં હજુ પણ લખનૌમાં સીબીઆઈની ખાસ અદાલતમાં મામલો પેન્ડિંગ રહેલો છે.

                 ખાસ સીબીઆઈ કોર્ટે પુરાવા અને સાક્ષીઓને રજૂ કરવા માટે છેલ્લી તારીખ ૨૪મી ડિસેમ્બરની નક્કી કરી છે. આવી સ્થિતિમાં આ અપરાધિક મામલામાં ચુકાદો એપ્રિલ ૨૦૨૦ સુધી આવી શકે છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટના ચુકાદાનું તમામ લોકો સન્માન કરે છે. દિગ્વિજયસિંહના નિવેદનથી એક નવો વિવાદ છેડાઈજવાની સંભાવના દેખાઈ રહી છે.

(8:14 pm IST)