Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અયોધ્યા કેસમાં સુપ્રિમના ચુકાદા મુદ્દે સોશિયલ મીડિયાએ ભારે સંયમ દાખવ્યો :નાગરિકોએ ગંભીરતાપૂર્વક જવાબદારી નિભાવી

સાયબર ક્રાઇમની ટીમ એલર્ટ હોવા ઉપરાંત ગ્રુપ એડમીન પણ સતર્ક હતા

નવી દિલ્હી : અયોધ્યાની વિવાદિત જમીનનો કબજો હિન્દુઓને સોંપવાના સુપ્રિમ કોર્ટના ચુકાદા સમયે અને બાદમાં પણ સોશિયલ મીડિયા દ્વારા દાખવવામાં આવેલ સંયમ ગજબનો રહ્યો હતો. સરકારે ચુકાદા બાદ ઉદભવતી પરિસ્થિતને પહોંચી વળવા માટે તમામ તૈયારી કરી હતી. ચુકાદાની સાથે જ સોશિયલ મીડિયા પર ફરતા થનાર ફેક ન્યુઝ તેમજ શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારને શોધી કાઢવા માટે પણ પોલીસ તંત્ર દ્વારા સાયબર ક્રાઈમની ટીમને એલર્ટ રખાઈ હતી. જોકે, તેનાથી ઉલટું આ વખતે સોશિયલ મીડિયાએ જબરજસ્ત સંયમ જાળવ્યો  હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ બપોર સુધી સોશિયલ મીડિયામાં કોઈ વાંધાજનક પોસ્ટ નહિ મુકાતા પોલીસ તંત્રએ ભારે રાહતનો શ્વાસ લીધૌ હતો. શહેર પોલીસના જણાવ્યા મુજબ ચુકાદાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે સોશિયલ મીડિયાનું ખાસ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ નાગરિકોએ શાંતિ જાળવી રાખવાની જવાબદારી ગંભીરતાપૂર્વક નિભાવી હતી.

(7:26 pm IST)