Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

શિક્ષકે આપી એવી સજા કે વિદ્યાર્થિની બની વિકલાંગ

૧૩ લાખ વળતરને લેવાથી માતા-પિતાએ ઇનકાર કર્યો : વિદ્યાર્થિનીએ હોસ્ટલમાં બેડ નીચે નાસ્તો સંતાડ્યો હતો, જેની જાણ શિક્ષકને થતાં તેણે આકરી સજા કરી હતી

બેઇજિંગ,  તા.૧૦ : શિક્ષકને બાળકના બીજા માતા-પિતા કહેવામાં આવે છે. કારણ કે બાળકના તમામ પ્રકારના વિકાસમાં શિક્ષકનો ફાળો બહુ મોટો અને મહત્વનો હોય છે. પરંતુ લાંબા સમયથી માત્ર ભારત જ નહીં, દુનિયાભરના દેશોમાંથી શિક્ષકો દ્વારા કરવા ક્રૂરતાના કિસ્સા સામે આવી રહ્યા છે અને તેનું પ્રમાણ પણ દિવસે-દિવસે વધી રહ્યું છે. હાલમાં સામે આવેલા કિસ્સામાં એક શિક્ષકે કરેલી સજાને લીધે ૧૪ વર્ષની માસૂમ વિદ્યાર્થિનીનું જીવન બરબાદ થઇ ગયું છે. તે કાયમી વિકલાંગ બની ચૂકી છે અને ડોક્ટર્સ પણ કહી ચૂક્યા છે કે, માસૂમ જીવનભર ચાલી શકશે નહીં.

દરેક ઉંમરનું બાળક કોઇને કોઇ મસ્તી કે ભૂલ કરતું રહે છે એમાં પણ શાળાએ જતાં બાળકો તો એમની મસ્તીમાં જ રહે છે. શાળામાં દોડાદોડ, ચાલુ ક્લાસે નાસ્તો કરવો અને લંચ બોક્સ સંતાડવાના જેવી મસ્તી શાળાઓમાં સામાન્ય હોય છે. આવી જ રીતે ચીનની એક શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ થોડો નાસ્તો હોસ્ટેલના બેડમાં સંતાડ્યો હતો. જેને એક ટીચરે પકડી પાડ્યો હતો. ટીચર એ વિદ્યાર્થિનીની હરકતથી એટલી બધી ગુસ્સે ભરાઇ કે એણે માસૂમને ૩૦૦ ઉઠક-બેઠકની સજા આપી દીધી. જેના લીધે વિદ્યાર્થિની કાયમી વિકલાંગ બની ચૂકી છે.

દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન સ્ટેટમાં રહેતી ૧૪ વર્ષની વિદ્યાર્થિની એક શાળામાં અભ્યાસ કરે છે. એની માતાનું કહેવુ છે કે, આ ઘટના ૧૦ જૂનની રાતની છે જ્યારે એક ટીચરને એના બેડમાંથી સંતાડેલો નાસ્તો મળી આવ્યો. વિદ્યાર્થિનીએ નાસ્તો એનો ના હોવાનું પણ જણાવ્યું, પરંતુ રોષે ભરાયેલા ટીચરે એને ૩૦૦ ઉઠક-બેઠકની સજી કરી, સજા આપ્યા પછી ટીચર ત્યાંથી જતી રહી પરંતુ અન્ય ટીચરને વિદ્યાર્થિની પર ધ્યાન રાખવા કહ્યું હતું. આ પહેલા એપ્રિલમાં વિદ્યાર્થિનીના પગમાં ઇજા થઇ ચૂકી હતી. આ વિશે જાણ હોવા છતાં કોઇ શિક્ષકે એની સજા રોકી નહીં. ૧૫૦ ઉઠક-બેઠક પછી નિર્દોષની સ્થિતિ બગડી હતી. એના માતા-પિતા શહેરના અનેક હોસ્પિટલમાં ફરી વળ્યા, પરંતુ ડોક્ટરો કહી ચૂક્યા છે કે, કિશોરી કાયમી વિકલાંગ બની ચૂકી છે અને ચાલવા માટે તેણે સહારાની જરુર પડશે. આ ઘટના પછી વિદ્યાર્થિની મોટા આઘાતમાં સરી પડી છે અહી સુધી કે ડિપ્રેશન દૂર કરવા માટે એ દવાઓ લઇ રહી છે.

(7:04 pm IST)