Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

નવો નિયમ :જૂની જ્વેલરી ખરીદનારે વેચનારનું આધારકાર્ડ અને પાનકાર્ડ ફરજિયાત રાખવું પડશે

પાન કાર્ડ અને આધાર કાર્ડ સાચુ છે કે નકલી તેની ખરાઈ કરી શકાય તેવી વ્યવસ્થા નથી.તેથી જ્વેલર્સો ફસાઈ જાય તેવી ભિતી: જ્વેલર્સો કરી રહ્યાં છે વિરોધ

નવી દિલ્હી ;  કેન્દ્ર સરકારે જુના સોનાના દાગીના અને જ્વેલરીની ખરીદી વેચાણ સમયે ચિટિંગને રોકવા માટે જ્વેલરી ખરીદનારે જ્વેલરી વેચનારનું આધારકાર્ડ અને પાનકાર્ડ ફરજિયાત રાખવું પડશે. સરકારના આ નિર્ણયને કારણે જ્વેલર્સોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેને લઈને ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરશે.

ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન, ગુજરાતના ડાયરેક્ટર નૈનેશ પચ્ચીગર કહે છે કે, નિયમ પ્રમાણે જુની જ્વેલરીની ખરીદી ખરતી વખતે જ્વેલર્સે વેચાણ કરનારનું આધારકાર્ડ અને પાનકાર્ડની ફોટો કોપી લેવી પડશે.અનેક લોકો નકલી પાનકાર્ડ અને આધારકાર્ડ આપીને પણ ચોરી કરેલી જ્વેલરી વેચીને જ્વેલર્સને ફસાવે તેવી શક્યતા છે. જ્વેલર્સ પાસે આધારકાર્ડ અને પાનકાર્ડની ખાત્રી કરવાની કોઈ સિસ્ટમ નથી. જેના કારણે ચિટિંગ કરનાર વ્યક્તિને પકડી શકે. આટલા માટે નિયમમાં ફેરફાર કરવા જોઈએ. આ નિયમમાં ફેરફાર કરવા માટે અમે ગૃહમંત્રીને રજૂઆત કરીશું.

  સોના અને ચાંદીના દાગીના ચોરીને જ્વેલર્સને ત્યાં વેચવા માટે જતાં હોય છે. આવી ઘટનાઓ ન બને અને બને તો ચોર ઝડફથી પકડાઈ જાય તે માટે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ જ્વેલર્સોનું કહેવું છે કે, જે વ્યક્તિ દાગીના વેચવા માટે આવે છે તે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાચુ લઈને આવ્યો છે કે નકલી તેની ખરાઈ કરી શકાય તેવી વ્યવસ્થા નથી. તેથી જ્વેલર્સો ફસાઈ જાય તેવી ભિતી હોવાથી જ્વેલર્સો તેનો વિરોધ કરી રહ્યા છે.

(7:03 pm IST)