Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ફિઝિયોથેરાપીમાં મેડિકલેઈમઃ ગ્રાહક સુરક્ષા કોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો

ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ગ્રાહકોને ફિઝિયોથેરાપી સેશન માટે વળતર મળવું જોઈએ

પુણે, તા.૧૦: પુણેના એક કન્ઝયૂમર ફોરમે ચૂકાદો આપ્યો છે કે ઓર્થોપેડિક સર્જનની સલાહ મુજબ કરવામાં આવેલા ફિઝિયોથેરાપી સેશનને પણ સારવારનો એક ભાગ માનવામાં આવે. ફોરમે એવું પણ કહ્યું કે ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ગ્રાહકોને ફિઝિયોથેરાપી સેશન માટે વળતર મળવું જોઈએ.

કન્ઝયૂમર ફોરમે આ નિર્ણય ૧૯ વર્ષીય યુવતીના પિતાની અરજી પર આપ્યો છે. મળી રહેલી માહિતી મુજબ, ડિસેમ્બર ૨૦૧૬માં પ્રિયંકા ચૌધરીને ખૂબ જ દુખાવો અને ન્યૂરોપેનિકને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ પ્રિયંકાને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ હોસ્પિટલે તેમને થોડા દિવસ પછી ડિસ્ચાર્જ કરી દીધા. સાથે ફિઝિયોથેરાપી ચાલુ રાખવાની સલાહ આપી.

પ્રિયંકાએ ફિઝિયોથેરાપીના ૫૬ સેશન એટેન્ડ કર્યા. જેનો કુલ ખર્ચ ૯૪ હજાર ૬૪૯ રૂપિયા થયો. પ્રિયંકાના પિતા હોસ્પિટલ અને ફિઝિયોથેરાપીના ખર્ચ માટે યુનાઈટેડ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડમાં કલેમ કર્યો હતો. તેમણે વર્ષ ૨૦૦૮માં કંપનીની પોલિસી લીધી હતી. કંપનીએ પ્રિયંકાના પિતાના પહેલા બે કલેમ સ્વીકારી લીધા પરંતુ ફિઝિયોથેરાપીને ટ્રીટમેન્ટનો ભાગ ન માનતા તેનો સ્વીકાર કરવાની ના પાડી દીધી.

ત્યાર પછી પ્રિયંકાના પિતાએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી. એચજે ધોળકિયા અને વીએ જેરોમની પીઠે આ કેસની સુનાવણી કરતા ચૂકાદો સંભળ્યાવ્યો કે ઈન્શ્યોરન્સ કંપની પૂરી ટ્રીટમેન્ટની ફી ૮ ટકા વ્યાજ સાથે ચૂકવે. આ સાથે ગ્રાહકને માનસિક ઉત્પીડન માટે ૩ હજાર અને ફરિયાદ કરવાના ખર્ચ રૂપે ૨ હજાર રૂપિયાનું વળતર ચૂકવે.

(10:03 am IST)