Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ડેન્‍ગ્યુના દર્દીઓ માટે આયુર્વેદમાં ગળા પપૈયાના પાન અકસીર ઇલાજ

ચોમાસુ આવે એટલે મચ્છરજન્ય રોગોનો ત્રાસ વધી જાય છે. મેલેરિયા અને ડેંગ્યુના કિસ્સા ઘેરઘેર જોવા મળે છે. શરૂઆતમાં સામાન્ય લાગતા ડેંગ્યુનો જો સમયસર ઉપચાર ન થાય તો તે જીવલેણ પુરવાર થઈ શકે છે. ડેંગ્યુ ચોમાસાના મહિનામાં એટલે કે જુલાઈથી ઓક્ટોબર વચ્ચે સૌથી વધારે ફેલાય છે. આ સીઝનમાં મચ્છરોને વિકસવા માટે અનુકૂળ પરિસ્થિતિ હોય છે. આથી મચ્છરોને ઘરમાં આવતા રોકવા જરૂરી છે. અને તકેદારી રાખ્યા બાદ પણ ડેંગ્યુ થાય તો યોગ્ય સારવાર અને ઘરેલુ ઉપચાર કરશો તો આ બીમારીમાંથી આસાનીથી ઉગરી જશો.

ડેંગ્યુના લક્ષણઃ

એડિસ ઈજિપ્તી મચ્છર કરડવાથી 3થી 5 દિવસો બાદ દર્દીઓમાં ડેંગ્યુના લક્ષણો જોવા મળે છે. સાધારણ ડેંગ્યુ તાવના લક્ષણ છે ઠંડી બાદ ખૂબ તાવ ચડવો, માંસપેશી અને સાંધામાં દુઃખાવો, આંખના પાછળના હિસ્સામાં દુઃખાવો, આંખને હલાવવા કે દબાવવાથી દુઃખાવો વધી જવો, ખૂબ અશક્તિ લાગવી, ભૂખ ન લાગવી અને બેચેની થવી, મોંનો સ્વાદ ખરાબ થઈ જવો, ગળામાં સાધારણ દુઃખાવો થવો અને ખાસ કરીને ચહેરા, ગરદન અને છાતી પર લાલ રંગના રેશીસ થવા. આવા લક્ષણો હોય તો તરત જ ચેતી જાવ અને મેડિકલ સારવાર લો. આ સાથે સાથે આ ઘરેલુ નુસ્ખા કરવાથી પણ તમને ફાયદો થશે.

ગળાનો રસઃ

આયુર્વેદમાં ગળાનું ખૂબ જ મહત્વ છે. 1 કપ પાણીમાં 1 ચમચી ગળાનો રસ મિક્સ કરો. ગળાની દાંડી મળે તો 4 ઈંચની દાંડી લો. લીમડાના ઝાડ પર જે વેલ ચજી હોય તે વેલ પરથી દાંડી મળે તો શ્રેષ્ઠ. તેમાં આદુ મિક્સ કરી પાણી ઉકાળો અને તેનો કાઢો બનાવી 5 દિવસ સુધી પીઓ. તમે ઈચ્છો તો તેમાં થોડુ મીઠુ પણ મિક્સ કરી સવારે 2 વાર, સવારે નાસ્તા પછી અને સાંજે ડિનર પહેલા લઈ શકો છો.

પપૈયાના પાનનો રસઃ

પપૈયાના પાનનો રસ ડેંગ્યુના ફીવરના ડ્યુરેશનને ઓછુ કરી દે છે. જેને કારણે ડેંગ્યુમાં જો હોસ્પિટલમાં દાખલ થયા હોવ તો જલ્દી રજા મળી જાય છે. પપૈયાના પાનનો રસ શરીરમાંથી પ્રવાહી ઓછુ નથી થવા દેતો અને વ્હાઈટ બ્લડ સેલ્સ તથા પ્લેટલેટ્સની સંખ્યા વધારે છે. ડેંગ્યુ છે એવી ખબર પડે ત્યારથી જ પપૈયાના પાનનો રસ દર્દીને આપી શકો છો. અત્યાર સુધી તેની કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી.

બકરીનુ દૂધઃ

આયુર્વેદાચાર્ય સુશીલા દહિયા જણાવે છે કે, “બકરીનું દૂધ પચવામાં હલકુ હોય છે. આયુર્વેદના પુસ્તકોમાં ઉલ્લેખ છે કે ડેંગ્યુમાંથી ઉગરવા માટે બકરીનું દૂધ ખૂબ જ અસરકારક છે.”

દૂધ કે પાણીમાં હળદરઃ

ભોજનમાં હળદરનો વધુ ઉપયોગ કરો. સવારે અડધી ચમચી હળદર પાણી સાથે અથવા તો રાત્રે અડધી ચમચી હળદર દૂધ કે પાણી સાથે લો. જો તમને શરદી, તાવ કે કફ હોય તો દૂધ ન લેવુ. ત્યારે પાણી સાથે હળદર લેવી. એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હળદર શરીરનું મેટાબોલિઝમ વધારે છે.

તુલસીઃ

8થી 10 તુલસીના પાનનો રસ મધ સાથે મિક્સ કરો. તુલસીના 10 પાનને પોણા ગ્લાસ પાણીમાં ઉકાળો. તેમાં 2 મરી અને આદુ પણ નાંખી શકો છો. આ પાણી ઉકળીને અડધુ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. તુલસીના ઉકાળાને સવાર સાંજ પીઓ. આનાથી શરીરની ઈમ્યુનિટી મજબૂત થશે અને બીમારી દૂર થઈ જશે.

(12:00 am IST)