Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

દેશમાં નબળા પીએમની જરૂર:તાકતવર તો જોઇ લીધો,હવે નબળો જોઇએ, જેથી તે નબળાઓની મદદ કરી શકે;ઓવૈસી

ઓવૈસીએ કહ્યુ, આમ આદમી પાર્ટી અને ભાજપમાં કોઇ ફરક નથી; ઓવૈસીએ એક સાથે નીતિશ કુમાર, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા

અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. ઓવૈસીએ કહ્યુ કે દેશે તાકાતવર વડાપ્રધાન તો જોઇ લીધો છે, હવે દેશને નબળા પીએમની જરૂરત છે. ઓવૈસીએ કહ્યુ મને લાગે છે કે દેશમાં ખિચડી સરકાર બનવી જોઇએ. આ દરમિયાન ઓવૈસીએ આમ આદમી પાર્ટી અને ભાજપને એક જેવી ગણાવી હતી.

ઓવૈસીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ, ચીન આપણી જમીન પર બેઠુ છે તો વડાપ્રધાન જવાબ નથી આપતા. જ્યારે પૂછીએ કે ઉદ્યોગપતિઓનું દેવુ કેમ માફ કરી દેવામાં આવ્યુ તો તે કહે છે કે સિસ્ટમ મને કામ કરવા નથી દેતી. 300થી વધારે તેમની પાસે સાંસદ છે. પંડિત નેહરૂ પછી પાવરફુલ પીએમ છે, તે બાદ પણ તે સિસ્ટમની વાત કરે છે. મારૂ માનવુ છે કે દેશમાં નબળા વડાપ્રધાનની જરૂરત છે. તાકતવર તો જોઇ લીધો, હવે નબળો જોઇએ, જેથી તે નબળાઓની મદદ કરી શકે. તાકાતવર તાકાતવરની મદદ કરી રહ્યો છે. તે નબળાને તો જોતો જ નથી. હું ઇચ્છુ છુ કે દેશમાં ખિચડી સરકાર બને કારણ કે ગુજરાત, હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશની ખિચડી અલગ હોય છે.

2024 લોકસભા ચૂંટણીને લઇને નીતિશની દાવેદારી પર પણ ઓવૈસીએ પોતાના વિચાર મુક્યા હતા. AIMIMના પ્રમુખે કહ્યુ કે જો ચહેરા સાથે મુકાબલો કરીએ તો મોદીન ભાજપને ફાયદો થઇ શકે છે, જેની જગ્યાએ જેટલી પણ લોકસભા બેઠક છે તેની પર આપણે બધાએ ભાજપનો મુકાબલો કરવાની જરૂરત છે. ઓવૈસીએ એમ પણ કહ્યુ કે 2022 ગુજરાત રમખાણ દરમિયાન નીતિશ કુમાર ભાજપ સાથે હતા

 

અરવિંદ કેજરીવાલની આગેવાની ધરાવતી પાર્ટીને લઇને કરવામાં આવેલા એક સવાલના જવાબમાં ઓવૈસીએ કહ્યુ, આમ આદમી પાર્ટી અને ભાજપમાં કોઇ ફરક નથી. ચૂંટણી સમયે આ (આરોપ-પ્રત્યારોપ) બધુ થાય છે, જનતા હોશિયાર છે. આ લોકો દાવા કરી રહ્યા છે પણ જનતા પોતાનો નિર્ણય સંભળાવશે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના મુકાબલા ધરાવતા રાજ્યમાં આ વખતે આમ આદમી પાર્ટી અને AIMIMએ પણ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ બન્ને પક્ષની એન્ટ્રીએ ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે.

AIMIM અમદાવાદની 5 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત પહેલા જ કરી ચુકી છે. આ વર્ષના અંતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને ઓવૈસીએ કમર કસી લીધી છે. શનિવારે અમદાવાદમાં ઓવૈસીએ મોદીની સાથે સાથે વિપક્ષી નેતાઓ પર પણ પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ એક સાથે નીતિશ કુમાર, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે.

AIMIMના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ, ભાજપમાં રહેતા નીતિશ કુમાર સીએમ બન્યા, ગોધરા કાંડ દરમિયાન તે ભાજપ સાથે હતા, તેમણે 2015માં તેમણે છોડી દીધા, 2017માં પરત આવ્યા અને  મોદીને જીત અપાવવા માટે 2019ની ચૂંટણી લડી. હવે તેમણે પણ છોડી દીધા.

(10:11 pm IST)