Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

રોટલી હવે અત્‍યંત નરમ અને સ્‍વાદિષ્‍ટ બનશે

ટુકડી-ભાલિયા ઘઉં કરતા અલગ પ્રકારની વેરાયટી BBW-1 : પંજાબના ખેડૂતોએ વિકસાવેલી નવી જાત ગુજરાતના ખેડૂતો સ્‍વીકારી રહ્યા છે : ઉત્‍પાદન ઓછું હોવાથી આ ઘઉં મોંઘા હશે

નવી દિલ્‍હી,તા. ૧૦ : ભોજનમાં ગુજરાતીઓની પહેલી પસંદ રોટલી હવે વધારે નરમ અને સ્‍વાદિષ્‍ટ બનશે. કેમ કે ટૂંક સમયમાં એવા ઘઉંની જાત આવી છે જે રોટલીને અગાઉની તમામ જાત કરતા નરમ બનાવશે. પંજાબના ખેડૂતોને વિકસાવેલી નવી જાત ગુજરાતના ખેડૂતો સ્‍વીકારી રહ્યા છે. આ જાતના ઘઉંનું ઉત્‍પાદન ઓછું આવે છે તેથી તે ઘઉં અન્‍ય જાતના ઘઉં કરતાં મોંઘા રહેશે.

પંજાબ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ ઘઉંના પાકની નવી જાત વિકસાવી છે. આ જાતના ઘઉંના લોટની રોટલી એકદમ નરમ બને છે અને તેનો સ્‍વાદ ઉત્તમ છે. બીબીડબ્‍લ્‍યુ-૧ નામની ચપાતી નામની જાતના ઘઉં હવે ગુજરાતમાં વાવવામાં આવી રહ્યા છે. પંજાબ કૃષિ યુનિવર્સિટીએ જુની જાતની જનીનમાંથી આ નવી જાત વિકસાવી છે.

રોટલી ખાનારો વર્ગ ગુજરાતમાં ૯૦ ટકા છે. દરેકને નરમ રોટલી ખાવી ગમે છે. ઘઉંની તમામ જાતોના લોટમાંથી બનેલી રોટલી નરમ રોટલી નથી હોતી. દરેક જાતની પોતાની વિશેષતા છે. બધી જાતો સારી કણક બનાવતી નથી. જો કે ગુજરાતના ટુકડી ઘઉં અને ભાલીયા ઘઉં રોટલીની નરમાઇ માટે શ્રેષ્‍ઠ માનવામાં આવે છે.

વૈજ્ઞાનિકોએ એવી વેરાયટી વિકસાવી છે, જેનાથી બનેલી રોટલી નરમ અને મીઠી હોય છે. આ જાતને ગેરૂ રોગની ઓછી અસરને કારણે તેની ગુણવતામાં વધારો થાય છે. તેથી, તેનો લોટ સ્‍વાસ્‍થ્‍ય માટે વધુ ફાયદાકારક છે. અન્‍ય જાતોની તુલનામાં તેનો લોટ સારો છે. ઉત્‍પાદન ઓછું થાય છે તેથી રોટલી મોંઘી રહેશે. આ જાતના ઘઉં ૧૫૪ દિવસે પાકે છે. ગુજરાતના કોઇ ખેડૂત તેની ખેતી કરવા માંગતો હોય, તો તે પંજાબ કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરી શકે છે.

(10:37 am IST)