Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

ટાટા સંયુક્ત સાહસમાં આઈફોનનું ઉત્પાદન કરે એવી શક્યતા

આઈફોનનું ઉત્પાદન એડવાન્સ ટેક્નોલોજી ધરાવતા દેશોમાં થાય છેઃટાટા જૂથ અને વિસ્ટ્રોન વચ્ચે આઈફોનના ઉત્પાદન માટે કરાર થશે તો આઈફોન બનાવતી પ્રથમ ભારતીય કંપની

મુંબઈ, તા.૯ ઃએપલ (એપલ ઈન્ક) કંપનીના અત્યંત મોંઘાદાટ આઈફોનનું ઉત્પાદન ટેકનોલોજીની રીતે એડવાન્સ્ડ દેશોમાં જ થાય છે, પરંતુ હવે ભારત પણ આ બહુમાન મેળવે તેવી શક્યતા છે. ટાટા ગ્રૂપે એપલના આઈફોનના ઉત્પાદન માટે તાઈવાનની એક સપ્લાયર વિસ્ટ્રોન સાથે વાતચીત શરૃ કરી છે. તે પ્રમાણે ભારતમાં એક ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું સંયુક્ત સાહસ સ્થાપવામાં આવશે. ત્યાર પછી આઈફોનને ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવે તેવી શક્યતા છે.

ટાટાએ આ માટે તાઈવાનના વિસ્ટ્રોન ગ્રૂપ (વિસ્ટ્રોન ગ્રુપ) સાથે વાતચીત કરી છે. તાઈવાનની કંપની આ પ્રકારની હાઈ-એન્ડ પ્રોડક્ટના ઉત્પાદનની કેપેસિટી ધરાવે છે. ટાટા જૂથ પણ તેનો લાભ લેવા વિચારે છે.

ટાટા જૂથ અને વિસ્ટ્રોન વચ્ચે આઈફોનના ઉત્પાદન માટે કરાર થશે તો આ પ્રથમ ભારતીય કંપની હશે જે આ મોંઘાદાટ અને એડવાન્સ્ડ ફોનનું ઉત્પાદન કરશે. હાલમાં આઈફોનનું ઉત્પાદન તાઈવાનની કંપનીઓ વિસ્ટ્રોન અને ફોક્સોન ટેક્નોલોજી દ્વારા ચીન અને ભારતમાં કરવામાં આવે છે.

ભારત અત્યારે દરેક ફિલ્ડમાં ચીનને પડકારવા માંગે છે ત્યારે આઈફોનનું ઉત્પાદન ભારતમાં થવા લાગે તો ચીન માટે તે મોટો ફટકો ગણાશે. ચીનમાં કોવિડના કારણે વારંવાર લોકડાઉન લાદવામાં આવે છે અને અમેરિકા સાથેના તેના સંબંધો પણ બગડ્યા છે. તેના કારણે ભારત પરિસ્થિતિનો ફાયદો લઈ શકે તેમ છે. ત્યાર પછી બીજી ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓને પણ ભારતમાં ઉત્પાદન કરવા અને ચીન પર તેમની નિર્ભરતા ઘટાડવા માટે સમજાવી શકાશે. ટાટા ગ્રૂપ અને તાઈવાનની કંપની વચ્ચે કેવા પ્રકારની ડીલ થશે અને કેવું શેરહોલ્ડિંગ હશે તે કહેવું મુશ્કેલ છે પણ ટાટા જૂથ દ્વારા વિસ્ટ્રોનની ભારતીય કામગીરી આખેઆખી ખરીદી લેવાય તેવી શક્યતા છે. અથવા તો ટાટા જૂથ નવો એસેમ્બલી પ્લાન્ટ પણ સ્થાપી શકે છે.

હાલમાં વિસ્ટ્રોન ભારતમાં ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે, પરંતુ ભારે ખોટ કરી રહી છે. ટાટા જૂથ સાથે કરાર કરવામાં આવે તો તેને મોટી નાણાકીય મદદ મળી શકે તેમ છે. ટાટા અત્યારે ઈલેક્ટ્રોનિક વ્હીકલ્સનું ઉત્પાદન પણ કરે છે. તેથી વિશ્વની ઘણી ટેક્નોલોજી કંપનીઓને ટાટા સાથે કામ કરવામાં રસ છે.

 વિસ્ટ્રોનએ ૨૦૧૭માં ભારતમાં આઈફોન્સ બનાવવાની શરૃઆત કરી હતી. હાલમાં તાઈપેઈ સ્થિત કંપની કર્ણાટકમાં પોતાનું ઉત્પાદન યુનિટ ધરાવે છે.

એપલના આઈફોનના સુધારેલા વર્ઝન સતત આવતા જાય છે અને તેને ખરીદવામાં યુવા વર્ગ તથા હાયર મિડલ ક્લાસ ભારે રસ લે છે. તાજેતરમાં આઈફોન ૧૪ના જુદા જુદા મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે જેની કિંમત ૭૯,૯૦૦થી લઈને ૧,૩૯,૯૦૦ સુધી છે.

(12:00 am IST)