Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ઓર્બિટર એક વર્ષને બદલે સાડા સાત વર્ષ કામ કરશે

સવાર સવારમાં ઇસરોએ આપ્યા શુભ સમાચારઃ વિક્રમ લેન્ડરની કમીને ઓર્બિટર પુરી કરશે

નવી દિલ્હી : ચંદ્રયાન-ર મિશનના ડેટા એનાલીસીસ દ્વારા વૈજ્ઞાનિકોને નવી નવી જાણકારીઓ મળી રહી છે. આવી જ એક જાણકારી ચંદ્રયાન-ર ઓર્બિટરની છે. લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તુટયા પછી થોડીજ વારમાં વૈજ્ઞાનિકોએ સ્પષ્ટતા કરી હતી કે, ઓર્બિટર બરાબર કામ કરી રહયું છે અને સંપર્કમાં છે. તે પહેલાથી જ નક્કી કરાયેલ પ્રોગ્રામ મુજબ ચંદ્રની પરિક્રમા કરી રહયું છે. ઓર્બિટરે રવિવારે ઇસરોને બે ખુશ ખબર આપ્યા હતા. પહેલા તેણે થર્મલ ઇમેજો દ્વારા લાપતા લેન્ડરની ભાળ મેળવી હતી અને બીજુ એ કે ઓર્બિટર લેન્ડરની કમીને મોટાભાગે પુરી કરશે.

ચંદ્રયાન-ર મિશન માટે હવે એક મોટા ખુશખબર એ છે કે ઓર્બીટર હવે એક વર્ષને બદલે સાત વર્ષથી પણ વધારે સમય સુધી કામ કરશે. એ પણ ઇસરોના વૈજ્ઞાનીકોની મોટી સિધ્ધી છે. ખરેખરતો, વૈજ્ઞાનીકોએ આખા મિશનમાં ઓર્બિટરને એ રીતે નિયંત્રીત કર્યુ છે કે તેમાં આશાથી પણ  વધારે ફયુઅલ બચ્યું છે.તેની મદદથી ઓર્બિટર સાત વર્ષથી પણ વધારે એટલે કે સાડા સાત વર્ષ સુધી ચંદ્રની પરિક્રમા કરી શકશે. આ માહિતી  ઇસરોના ચેરમેન શિવને મીડીયાને આપી છે.

આનો અર્થ એ થાય કે ઓર્બિટર હવે એક વર્ષને બદલે સાત વર્ષ સુધી કામ કરીને ઇસરોને ઘણી બધી વધારે માહીતી મોકલી શકે છે. વૈજ્ઞાનીકો ઓર્બીટરમાંથી મળેલ ડેટાનો અભ્યાસ કરીને એ દિશામાં કામ કરી રહયા છે. જોકે અત્યારે ઇસરોનું સંપૂર્ણ ધ્યાન લેન્ડર વિક્રમ સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવા પર લાગેલું છે. ખરેખર તો લેન્ડરને એક લૂમર ડે (પૃથ્વીના ૧૪ દિવસ) સુધી  શોધખોળ કરવા માટેજ બનાવ્યું છે. આ દરમ્યાન તેનો સંપર્ક થવાની શકયતા વધારે છે, ત્યારપછી પણ તેનો સંપર્ક થઇ શકે છે પણ તેવી શકયતા બહુ ઓછી થઇ જાય છે.

વૈજ્ઞાનીકો અનુસાર ઓર્બિટર, લેન્ડર અને રોવરને કામ કરવા માટે બે પ્રકારની ઉર્જાની જરૂર પડે છે. પહેલી ઇલેકટ્રીકલ ઉર્જા છે, જેનો ઉપયોગ ઉપકરણોને ચલાવવા  કરવામાં આવે છે. આ ઉૈર્જા ઓર્બીટર, લેન્ડર અને સેવર પર લાગેલી સોલર પેનલ દ્વારા સુર્ય પ્રકાશથી મળે છે. આ ઉપકરણોને બીજી ઉર્જા માટે ઇંધણની જરૂર પડે છે, જેનો ઉપયોગ તેની દિશામાં ફેરફાર કરવા માટે કરવામાં આવે છે. સિવન અનુસાર આપણા ઓર્બિટરમાં હજુ પણ આશા કરતા વધારે ઇંધણ બચેલું છે, તેની મદદથી ચંદ્રયાન-રનું ઓર્બિટર સાત વર્ષથી પણ વધારે સમય સુધી સફળતાપુર્વક ચંદ્રની પરિક્રમા કરી શકે છે.

ચંદ્રયાન-ર ના લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફટ લેન્ડીંગ કરાવવાનું હતું, સોફટ લેન્ડીંગમાં લેન્ડરની ઝડપને ધીમે ધીમે ઘટાડવામાં આવે છે, જેથી તે આરામથી ચંદ્રની સપાટી પર પુર્વ નિર્ધારીત જગ્યાએ ઉતરી શકે જયારે લેન્ડર ચદ્રની સપાટીથી ફકત ૨.૧ કિ.મી.ના અંતરે હતુ ત્યારે તેનો સંપર્ક કપાઇ ગયો હતો, તેના કારણે ચંદ્ર પર તેનું લેન્ડીંગ સોફટને બદલે હાર્ડ થયું હાર્ડ લેન્ડીંગમાં લેન્ડર અથવા સ્પેસક્રાફટ ચંદ્રની સપાટી પર પડી જાય છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્રની સપાટી પર સોફટ લેન્ડીંગ કરાવવામાં સફળ થયા છે. જોકે આ ત્રણે દેશો પણ અત્યારસુધી ચંદ્રના સોૈથી  મુશ્કેલ એવા દક્ષીણ ધ્રુવ પર નથી પહોંચી શકયા, જયાં ભારતે પોતાની હાજરી નોંધાવી દીધી છે.

(3:22 pm IST)