Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ડો. તેજસ પટેલની ઐતિહાસિક સિદ્ધિની નોંધ વિશ્વ પ્રસિદ્વ 'લાન્સેટ' જર્નલે લીધીઃ અભિનંદન વર્ષા

ડો. તેજસ પટેલ- ડો. સંજય શાહ, ડો. સમીર પંચોલીની ટીમે અક્ષરધામમાં બેઠા બેઠા ૩ર કી.મી. દૂર ટેલીરોબોટીક કોરોનરી ઇન્ટરવેન્સન હાર્ટ ઓપરેશન કરી ઇતિહાસ રચ્યો : ભારતને ગૌરવ અપાવ્યું : આ લેખ અંગેની વધુ માહિતી https://doi.org/10.1016/j.eclinm.2019.07.017 પરથી મેળવી શકાશે

અમદાવાદ, તા. ૯ :  અમદાવાદ શહેરના વતની અને જગપ્રસિધ્ધ ઇન્ટરનેશનલ કાર્ડીયોલોજીસ્ટ ડોકટર તેજસ પટેલ  દ્વારા ૩ર કી.મી. જેટલા દૂરના અંતરેથી કરવામાં આવેલ ટેલીરોબોટીક હાર્ટ સર્જરીને લાન્સેટ પબ્લીશર્સ નામની વિશ્વ પ્રસિધ્ધ સંસ્થા દ્વારા પ્રકાશિત થતા ''ઇ'' કલીનીકલ મેડીસીન્સ નામના જર્નલના સપ્ટેમ્બરના અંકમાં ગૌરવવંતુ સ્થાન મળ્યું છે.

પ મી ડીસેમ્બરે ડોકટર પટેલની આગેવાની હેઠળ ડો. સંજય શાહ અને ટીમે ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાંથી અમદાવાદ ખાતે આવેલી તેમની હોસ્પિટલ એપેક્ષ હાર્ટ ઇન્સ્ટીટયુટમાં રહેલા દર્દી ઉપર ૩ર કિલોમીટર દુરથી આ સફળ હાર્ટ ઓપરેશન કર્યુ હતું. ડીસેમ્બર ૧ થી પ દરમ્યાન આ પધ્ધતિ દ્વારા પ દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. પર થી ૮૪ વર્ષના આ પાંચ દર્દીઓના ઓપરેશન ૧૯ થી ર૮ મીનીટમાં પુરા કરી દેવાયા હતા.

ડો. પટેલે કહ્યું હતું કે આ એક રેકોર્ડ બ્રેક પ્રયોગ હતો જેનાથી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ભારત જેવા દેશમાં પણ આ શકય બન્યું છે. આનાથી ફાયદોએ થયો છે કે એક નિષ્ણાંત સર્જન ઇન્ટરનેટની ઝડપની મદદથી દુનિયાના કોઇપણ ખૂણેથી આ ઓપરેશન કરી શકે છે. અહીં અમે ૩ર કિલોમીટર દૂરથી ઓપરેશન કર્યુ હતું પણ આ પદ્ધતિથી ૩ર૦૦ કિલોમીટર દૂરથી પણ ઓપરેશન કરી શકાય છે.

લોન્ગ ડીસ્ટન્સ ટેલીરોબોટીક આસીસ્ટેડ પર્કયુટેનીયસ કોરોનરી ઇન્ટરવેન્શન નામના તેમના શોધપત્રમાં અમદાવાદના ડોકટર તેજસ પટેલ અને ડોકટર સંજય શાહ તથા અમેરિકાના ડોકટર સમીર પંચોલીએ પોતાના અનુભવો લખતા જણાવ્યું હતું કે રોબોટ આસીસ્ટેડ પીસીઆઇ (આરપીસીઆઇ) ઘણી સુરક્ષિત અને અસરકારક છે.

આ સમયે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, સ્વામીનારાયણ સંપ્રદાયના પૂ. બ્રહ્મવિહારી સ્વામી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડો. તેજસ પટેલે આ મહાન સિદ્ધિ મેળવી ભારતને વિશ્વ ફલક ઉપર ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે લાન્સેટ જર્નલના શોધપત્રમાં જણાવેલ છે કે હાલની રોબોટીક ટેકનોલોજી અને નેટવર્ક કનેકટીવીટીમાં સુધારાનું સંયોજન અને આર-પીસીઆઇમાં ઓપરેટરની પારંગતતાનો જે વિસ્તારમાં આવા નિષ્ણાતોની અછત હોય ત્યાં થઇ શકે છે.

ડો. તેજસ પટેલે કહ્યું, ''કોરોનરી આર્ટરી ડીસીઝ (OCAD)સિવાય આ ટેકનોલોજીનો ઉપયોગ બ્રેઇનસ્ટ્રોકની સારવારમાં પણ થઇ શકે છે જ્યાં એક એક મિનીટ કિંમતી હોય છે'' તેમણે ઉમેરતા જણાવ્યું કે ગયા વર્ષે આ પધ્ધતિથી કરાયેલ ઓપરેશન તેનો બોલતો પુરાવો છે અને તે દુનિયાભરમાં કાર્ડીયાક ઇન્ટરવેન્શનના ઇતિહાસમાં મહત્વનું સિમાચિન્હ છે. તેમણે કહ્યું, ''અમારો ઉદ્દેશ દુનિયાને બતાવવાનો હતો કે ભારત પણ આવી અઘરી પ્રોસીજરો પર કામ કરી શકે છે અમે હવે આ પ્રકારનુ ઓપરેશન બીજા દેશમાંથી કરીને અમારી પારંગતતા દર્શાવવા માંગીએ છીએ.

ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે સફળ રોબોટીક ઓપરેશનના લીધે દરદીઓમાં પણ વિશ્વાસ વધશે. આગામી વર્ષોમાં સર્જનો રોબોટીક સર્જરી વધુને વધુ પસંદ કરશે કેમકે તેના કારણે ઇન્ટરવેન્શન લીસ્ટોએ ભારેખમ સીસાની લાઇનીંગ વાળા કપડાઓ ઓપરેશન દરમ્યાન પહેરવાની જરૂરી નહી રહે.

પદ્મશ્રી ડો. તેજસ પટેલ ઉપર દેશમાંથી જ નહિં વિશ્વભરમાંથી અભિનંદનવર્ષા થઈ રહી છે.

ડો. તેજસ પટેલ, ચેરમેન એન્ડ મેનેજીંગ ડિરેકટર, એપેક્ષ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ, બ્લોક જી-કે, મોન્ડીયલ બિઝનેસ પાર્ક, ગુરૂદ્વારા પાસે, એસ. જી. રોડ, અમદાવાદ - ૩૮૦૦૫૪

મો.૯૮૨૪૮ ૨૧૧૪૬

ફોન - +૯૧-૭૯-૨૬૮૪૨૨૨૦-૨૨

Email : tejaspatel@apexheart.in

(3:20 pm IST)