Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

બારામુલાના સોપોરમાં તૌયબાના ૮ આતંકી પકડાયા

સેના અને પોલિસની સંયુકત કાર્યવાહીના તૌયબાનું એક મોટુ મોડયુલ ધ્વસતઃ ત્રાસવાદીઓની કડક પુછપરછ ચાલુઃ શંકાસ્પદ વસ્તુઓ જપ્ત

શ્રીનગર, તા.૧૦: બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સેના અને પોલિસની એક સંયુકત કાર્યવાહીમાં આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના એક મોટા મોડ્યુલને ધ્વસ્ત કરવામાં આવ્યુ છે. મળતી માહિતી મુજબ સેના અને પોલિસે બારામુલા જિલ્લામાં લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા ૮ આતંકીઓની ધરપકડ કરી છે. બારામુલા જિલ્લાના સોપોરમાં એજન્સીઓને લશ્કર માટે કામ કરનારા અમુક લોકો વિશે માહિતી મળી હતી.

આ સૂચના પર પોલિસ અને સેનાએ એક મોટી કાર્યવાહી કરીને અહીં સર્ચ ઓપરેશન ચલાવ્યુ. આ ઓપરેશનમાં શંકાસ્પદ ૮ આતંકીઓને પકડવામાં આવ્યા ત્યારબાદ એજન્સીઓના અધિકારીઓએ તેની પૂછપરછ શરૂ કરી. પકડાઈ ગયેલા લોકો બારામુલામાં દુકાનદારોને બજાર બંધ રાખવા માટે ધમકી આપવા અને વિસ્તારમાં ધમકીભર્યા પોસ્ટર લગાવવાની ઘટનાઓમાં શામેલ હતા.

શ્રીનગર બડગામમાં મોહર્રમના જુલુસો પર રોક લગાવવા માટે પ્રશાસને ફરીથી કડક પ્રતિબંધ લગાવી દીધા છે. અહીંના દ્યણા વિસ્તારોમાં ફરીથી કફર્યુ લગાવવામાં આવ્યો છે. જેનાથી શહેરના ઘંટાઘર, લાલ ચોક અને ડાઉન ટાઉન વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. ધાર્મિક આયોજનમાં અહીં કોઈ હિંસા ન થાય તેના માટે પ્રશાસને સાવચેતીના પગલા લીધા છે. તમને જણાવી દઈએ કે મંગળવારે આજે મોહર્રમ છે. એવામાં બધુ શાંતિ પૂર્વક ઉજવાય તે માટે દ્યાટીમાં દ્યણી જગ્યાએ કફર્યુ જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

શ્રીનગરમાં સુરક્ષા કારણોસર ૧૯૯૦થી જ મોહર્રમના જૂલુસ કાઢવા પર પ્રતિબંધ છે. આ વખતે અનુચ્છેદ ૩૭૦ હટાવાયા બાદ સ્થિતિને જોતા સુરક્ષા બળો કડક સતર્કતા રાખી રહ્યા છે. બડગામ જિલ્લામાં પણ મોહર્રમના જૂલુસને રોકવા માટે મોટભાગના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

ઘાટીમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે કાશ્મીરના ઘણા ભાગોમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. અધિકારીઓએ પ્રતિબંધોને ફરીથી લગાવવા માટે કોઈ પણ કારણનો હવાલો આપ્યો નથી. તમને જણાવી દઈએ કે અનુચ્છેદ ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરીને રાજયને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાની કેન્દ્રની ઘોષણા બાદ કાશ્મીરમાં પહેલી વાર ૫ ઓગસ્ટના રોજ પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. હાલમાં કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે.

(10:42 am IST)