Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ચોથા ધોરણની બાળકી પર વાઇસ પ્રિન્સિપાલ અને કલાસ ટીચરે બળાત્કાર ગુજાર્યો

ધનબાદ, તા.૧૦:  ઝારખંડના ધનબાદ જિલ્લામાં શાળામાં ચોથા ધોરણમાં ભણતી બાળકી પર તેની શાળાના વાઇસ પ્રિન્સિપાલ અને વર્ગશિક્ષક દ્વારા બળાત્કાર ગુજારવાની ઘટના બની હતી.

કતરાઝ પોલીસ સ્ટેશનમાં આ અંગે એફઆઇઆર નોંધાવવામાં આવી છે. ધનબાદના પોલીસ સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું, કે નવ વર્ષીય પીડિતાની ફરિયાદ બાદ એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. પોલીસ આ કેસની જુદા જુદા એંગલથી તપાસ કરી રહી છે.

મેડિકલ ટેસ્ટ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

રવિવારે પાટલીપુત્ર મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે બાળાની તબીબી તપાસ કરવામાં આવી હતી.

એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું હતું કે એક મહિના પહેલાં બાળકી કલાસમાં બેભાન થઇ ગઇ હતી, ત્યારે શિક્ષકે તેને સીકરૂમમાં મોકલી આપી હતી.

સીકરૂમમાં હાજર નર્સે તેને દવા આપી હતી. ત્યાર બાદ બાળકી બેભાન થઇ ગઇ હતી. તેના પર વર્ગશિક્ષક અને શાળાના વાઇસ પ્રિન્સિપાલ બંનેએ બળાત્કાર કર્યો હતો.

થોડા દિવસ બાદ બાળકીની તબિયત સારી નહીં હોવાથી તેને ડોકટર પાસે લઇ જવામાં આવી હતી.

ડોકટરે બાળા સાથે કંઇક ખોટું થયું હોવાની શંકા દર્શાવી હતી. માતાપિતાએ બાળકીની પૂછપરછ કરતા તેણે શુક્રવારે બધી વાત કહી દીધી હતી.

(10:02 am IST)