Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

૫૫ લાખ કર્મચારીઓ ઉપર સંકટ

જ્વેલરી ઉદ્યોગ મંદીના મારથી માંદગીના ખાટલે

સોનાના રેકોર્ડબ્રેક ભાવ, ઉંચી કસ્ટમ ડયુટી અને જીએસટીના ઉંચા દરને કારણે બજારોમાં કાગડા ઉડે છેઃ વેપારીઓ નવરાધૂપઃ સરકાર પાસે દરમિયાનગીરીની માંગણી

નવી દિલ્હી, તા. ૧૦ :. દેશનો જ્વેલરી ઉદ્યોગ મંદીના મુખમાં સપડાયો છે. લોકો હાલના દિવસોમાં ઘરેણાની ખરીદી કરતા નથી જેની સીધી અસર આ ઉદ્યોગ પર પડી છે. મંદીનો ડંખ લાગતા કુશળ કારીગરો સમક્ષ રોજગારીનું સંકટ ઉભુ થઈ શકે છે. અખિલ ભારતીય રત્ન અને આભૂષણ ઘરેલુ કાઉન્સીલે આ વાત જણાવી છે. પરિષદે સાથોસાથ આયાત થતા સોના પર કસ્ટમ ડયુટીના દરો ઘટાડવા અને ઘરેણા ઉપર જીએસટીનો દર ઘટાડવા માંગણી કરી છે.

 

સામાન્ય બજેટ ૨૦૧૯-૨૦માં આયાત થતા સોના પર કસ્ટમ ડયુટી ૧૦ ટકાથી વધારી ૧૨.૫ ટકા કરી દેવામાં આવી હતી, તો ઘરેણા પર જીએસટીનો દર ૩ ટકા નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ વેટ પ્રણાલીમાં તે ૧ ટકો હતી.

કાઉન્સીલના વાઈસ ચેરમેન શંકર સેને કહ્યુ છે કે, નબળી ડિમાન્ડથી હાલ જ્વેલરી ઉદ્યોગ હાલ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે હજારો કુશળ કારીગરોની રોજગારી છીનવાઈ તેવી આશંકા ઉભી થઈ છે. તેમણે જણાવ્યુ છે કે કસ્ટમ ડયુટીમાં વધારો તથા જીએસટીના વર્તમાન દરથી ગ્રાહકોને અસર થઈ છે, કારણ કે આ બધાથી ઘરેણાની કિંમતમાં વધારો થયો છે.

તેમણે જણાવ્યુ છે કે અમારી માંગણી છે કે, કસ્ટમ ડયુટીનો દર ૧૨.૫ ટકાથી ઘટાડી ૧૦ ટકા કરવામાં આવે. જીએસટીનો દર પણ ૧ ટકો કરવો જોઈએ. તેમણે કહ્યુ છે કે ઉંચી કસ્ટમ ડયુટીને કારણે સોનાની દાણચોરી પણ વધી છે. સેનએ કહ્યુ છે કે એક તરફ સરકાર કુશળ કારીગરોને વૈશ્વિક સ્તર પર લઈ જવાની વાત કરે છે તો બીજી તરફ સરકારની નીતિઓ કુશળ કારીગરોને પોતાના અનુભવ અને આવડતની સાથે આ વ્યવસાય છોડવા મજબુરી થઈ રહી છે.

તેમણે કહ્યુ છે કે અમારી માંગણી છે કે આ સેકટરની ૫૫ લાખ નોકરીઓ બચાવવા માટે સરકાર ગોલ્ડ પોલીસીમાં મોટા ફેરફારો કરે. તેમણે એમ પણ જણાવ્યુ છે કે સરકાર પાનકાર્ડ પર ખરીદીની સીમાને ૨ લાખથી વધારી ૫ લાખ કરવી જોઈએ.

અત્રે નોંધનીય છે કે દુનિયાભરમાં આર્થિક મંદીની સ્થિતિ છે. એક તરફ જ્યાં શેરબજાર તૂટી રહ્યુ છે તો રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ માટે ગોલ્ડ તરફ વળી રહ્યા છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા હોવાને કારણે સોનુ રોજેરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યુ છે. ભાવ ઉંચા હોવાને કારણે દેશભરની બજારોમાં કાગડા ઉડી રહ્યા છે. ૧૨.૫ ટકાની ઈમ્પોર્ટ ડયુટી અને ૩ ટકાનો જીએસટીને કારણે સોનાના ઘરેણા મોંઘા થતા તેની અસર પડી છે અને ખરીદીનો માહોલ જણાતો નથી.(૨-૧)

(9:59 am IST)