Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કોચીમાં બીલીંગ કાઉન્‍ટર વગરના અમેરિકા જેવા સ્‍ટોરનો પ્રારંભઃ પૈસા બેન્ક અેકાઉન્‍ટમાંથી જમા કરી શકાશે

કોચીઃ કોચીના ગોલ્ડ સોક ગ્રાન્ડ મોલમાં શરુ થયેલા એક નવા સ્ટોર Watasaleના શોરુમની બહાર સ્ટોરના માર્કેટિંગ મેનેજર રાજેશ મલામલ આવતા દરેક ગ્રાહકનું અભિવાદન કરી તેમની સાથે કંઈક ચર્ચા કરે છે. જોકે લાંબી વાતચીત સ્વાગત અભિવાદન માટે નહીં પણ તેમને સમજાવવા માટે કરે છે કે સ્ટોરને યુઝ કેમ કરવાનો. હવે તમને સવાલ થશે કે તેમાં વળી નવું શું છે. સ્ટોરમાં જઈને વસ્તુ લેવાની અને પછી કેશિયરને બીલ ચૂકવી દેવાનું.

પણ, જરા થોભો watasale કોઈ સામાન્ય સ્ટોર નથી. સ્ટોર ફુલ્લી ઓટોમેટિક અને કેશિયર કે બિલિંગ કાઉન્ટર વગરનો સ્ટોર છે. જે રીતે અમેરિકામાં Amazon Goના સ્ટોર આવેલા છે તેમ બસ તમારે સ્ટોરમાં જવાનું જોઈતો સામાન લેવાનો અને ઘરે ચાલતું થવાનું. રુપિયા તમારા વોલેટમાંથી આપોઆપ કટ થઈ જશે. હા, પણ સિક્યોરિટી એલાર્મ બંધ નહીં હોય માટે ચીટિંગ નહીં થઈ શકે. 500 સ્કેવર ફૂટના સ્ટોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમેરા ટેક્નોલોજી અને સેન્સર્સની કમાલનું ઉદાહરણ છે.

watasaleના સીઈઓ સુભાષ એસ કહે છે કે, ગ્રાહકે સૌ પહેલા તો watasaleની એપ પોતાના ફોનમાં ડાઉનલોડ કરવી પડશે. તેમાં પોતાનો મેઇલ આઇડી અને ફોન નંબર રજીસ્ટર કરાવવો પડશે. એપમાં તમને એક QR કોડ મળશે. જે સ્ટોરમાં તમારી ઓળખ અને એન્ટ્રી ટિકિટ તરીકે કામ કરશે. કસ્ટમર્સે સ્ટોરમાં એન્ટર થતા વખતે QR કોડ સ્કેન કરાવવો પડશે.

સુભાષે કહ્યું કે, ‘ સિસ્ટમાં ગ્રાહકોનો ટાઇમ પણ બચશે કેમ કે તેમણે ફક્ત એન્ટ્રી થતા વખતે એકવાર પોતાના ફોનનો QR કોડ સ્કેન કરાવવાનો રહેશે જે બાદ પોતાને જોઈતી જેટલી પ્રોડક્ટ લેવી હોય તે લઈ લેવાની અને બહાર નીકળી જવાનું. દરેક પ્રોડક્ટ સ્કેન કરવાની જરુર નથી. એપ બિલની એમાઉન્ટ ઓટોમેટિકલી કસ્ટમરના એકાઉન્ટ અથવા વોલેટમાંથી કાપી લેશે. જેથી અહીં કોઈ કેશિયર નથી કે નથી દરેક પ્રોડક્ટ સ્કેન કરવા લાઇનમાં ઉભા રહેવાની જરુર.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘સ્ટોરની છતમાં અને દરેક સ્લેવ્સમાં હાઈએન્ડ કેમેરા અને સેન્સર્સ લાગેલા છે. સિસ્ટમ તમારી દરેક મુવમેન્ટને નોંધે છે. તમે કઈ પ્રોડક્ટ લીધી અને કઈ પ્રોડક્ટ પાછી રેકમાં મુકી દીધી. સ્ટોર બીજા કેશિયર લેસ સ્ટોર કરતા રીતે એડવાન્સ છે કે બીજા આવા સ્ટોરમાં ગ્રાહકે તમામ પ્રોડક્ટ સ્કેન કરવી પડે છે જ્યારે અહીં એવું કરવાની જરુર પડતી નથી.’

આજે વૈશ્વિક કક્ષાએ પણ ચેકઆઉટ ફ્રી સ્ટોર ગ્રાહકોનું સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યા છે. બે વર્ષ પહેલા ચાઇનીઝ સ્ટાર્ટઅપ બિંગોબોક્સે પોતાનો પહેલો કેશિયર લેસ સ્ટોર લોંચ કર્યો હતો અને આજે ચીનમાં તેના 30 વધુ શહેરોમાં 300થી વધુ સ્ટોર્સ છે. જ્યારે દેશના હાયપર સિટી હૈદરાબાદમાં ઇન્ફોસીસ કેમ્પસ ખાતે એક વર્ષ પહેલા આવો એક કેશીયર ફ્રી સ્ટોર ખૂલ્યો હતો જેની સ્થાપના બેંગાલુરુ સ્થિત સ્ટાર્ટઅપ કંપનીએ કરી હતી.

Amazon GO હાલ અમેરિકામાં પોતાના 3 વિશાળકાય સ્ટોર્સ ધરાવે છે અને ટુંક સમયમાં ન્યુયોર્ક ખાતે એક નવો સ્ટોર ખોલવાની પણ જાહેરાત કરી છે. સ્ટોર્સની ટેક્નોલોજી ગ્રાહકની બાયોમેટ્રિક માહિતી જેમાં હાઈટ, વેઇટ અને ભૂતકાળમાં ખરીદેલી વસ્તુઓની માહિતી પણ એકઠી કરે છે.

watasaleમાં હાલ 180 જેટલી પ્રોડક્ટ છે. ત્યારે સ્ટોરના માર્કેટિંગ મેનેજર માલામલે કહ્યું કે, ‘અમે હાલ તો અમારી પ્રોડક્ટ રેન્જ વધારવાનો કોઈ વિચાર ધરાવતા નથી કેમ કે અમે સ્ટોરને ગોડાઉન બનાવવા માગતા નથી. હા, બીજા કોઈ શહેરમાં નવો સ્ટોર ઓપન કરશું ત્યારે તેમાં જગ્યા અનુસાર નવી પ્રોડક્ટ ઉમેરી શકીએ છીએ. આગામી 3 મહિનામાં અમે બેંગાલુરુ અને દિલ્હી ખાતે નવા સ્ટોર ઓપન કરવા અંગે પ્લાનિંગ ધરાવીએ છીએ.’

(5:34 pm IST)