Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કાનપુર ઇસ્‍ટના અેસપી સુરેન્‍દ્રકુમાર દાસનો લગ્નજીવનના કંકાસથી આપઘાત

કાનપુર: લગ્નજીવનમાં ચાલી રહેલા વિખવાદથી કંટાળીને ઝેરી દવા ખાનારા માત્ર 30 વર્ષના યંગ આઈપીએસ ઓફિસરનું મોત થયું છે. કાનપુર ઈસ્ટના એસપી તરીકે ફરજ બજાવતા સુરેન્દ્ર કુમાર દાસે ચાર દિવસ પહેલા ઝેરી દવા ખાઈ લીધી હતી. તેઓ પોતાના ઘરેથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ચાર દિવસ તેમની સારવાર કરાઈ હતી, પરંતુ આખરે રવિવારે તેમણે દમ તોડ્યો હતો.

મૃતક IPSના ભાઈએ સુરેન્દ્ર કુમાર દાસની પત્ની પર તેમને આપઘાત કરવા મજબૂર કરવાનો આરોપ મૂક્યો છે. દાસના પરિવારજનોએ અંગે તેઓ ફરિયાદ પણ નોંધાવશે તેમ જણાવ્યું છે. મરતા પહેલા સુરેન્દ્ર કુમારે એક લેટર પણ લખ્યો હતો, જેમાં તેઓ પારિવારિક કારણોસર આપઘાત કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

પોતાની સ્યૂઈસાઈડ નોટમાં દાસે લખ્યું હતું કે, તેઓ પરિવારમાં ચાલી રહેલા વિખવાદને કારણે પગલું ભરી રહ્યા છે. લેટરમાં તેમણે પત્નીને સંબોધતા લખ્યું હતું કે તેઓ તેને ખૂબ પ્રેમ કરે છે. અંતમાં તેમણે એમ પણ લખ્યું છે કે, તેમના આપઘાત માટે કોઈ જવાબદાર નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, દાસ છેલ્લા કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતા. તેમણે છેલ્લા 40 દિવસથી માતા સાથે વાત પણ નહોતી કરી. પત્ની સાથે ઝઘડો થયા બાદ તેમણે મોત વ્હાલુ કરવા માટે ઉંદર મારવાની દવા ખાઈ લીધી હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી આપઘાત કઈ રીતે કરવો તે અંગે ગૂગલમાં સર્ચ પણ કરતા હતા.

દાસના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. તેમની પત્ની પણ ડૉક્ટર છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, તેમણે ઝેર ખાધું તે દિવસે પત્ની સાથે ઝઘડો થયા બાદ તેના મા-બાપ દાસના ઘરે આવ્યા હતા, અને તેમની વચ્ચે કલાકો સુધી ચર્ચા ચાલી હતી. આખરે તેઓ પરત ફર્યા હતા, અને ત્યારે દાસે ઝેર ખાઈ લીધું હતું.

(5:31 pm IST)