Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનના હેવાલ બિલકુલ પાયાવિનાના

મિડિયા અહેવાલને ગૃહ મંત્રાલય દ્વારા રદિયો : શ્રીનગર અને બારામુલામાં વિરોધ પ્રદર્શન થયા હતા પરંતુ આમા ૨૦થી પણ ઓછા લોકો હતા : હાલ કઠોર નિયંત્રણ

નવી દિલ્હી, તા. ૧૦ : શ્રીનગરમાં કલમ ૩૭૦ નાબુદ કરવામાં આવ્યા બાદ જોરદાર વિરોધ પ્રદર્શન અને દેખાવો થયા હોવાના અહેવાલને ગૃહ મંત્રાલય દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મિડિયામાં આવેલા અહેવાલ બિલકુલ આધાર વગરના છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, હજારો લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હોવાના અહેવાલ ખોટા છે. મંત્રાલય દ્વારા ખુલાસો કરતા કહેવામાં આવ્યું છે કે, શ્રીનગર અને બારામુલામાં દેખાવ કરનાર લોકોની સંખ્યા ૨૦થી પણ ઓછી હતી. હાલમાં એક સમાચાર સંસ્થાએ અહેવાલમાં કહ્યું હતું કે,

             શ્રીનગરમાં શુક્રવારના દિવસે ૧૦ હજારથી પણ વધારે લોકોએ એકત્રિત થઈને કલમ ૩૭૦ની નાબુદીને લઈને દેખાવો કર્યા હતા. કલમ ૩૭૦ની તરફેણ કરનાર લોકો દ્વારા આ દેખાવો કરાયા હતા. બીજી બાજુ સરકારે ઇદના પ્રસંગે પણ કઠોર ધારાધોરણને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ખીણમાં તબક્કાવાર રીતે કલમ ૧૪૪ દુર કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટ બાદ પરિસ્થિતિની સમીક્ષા કરાયા પછી હાલમાં નિયમોને હળવા કરવામાં આવશે. ખીણમાં અલગતાવાદીઓ સ્થિતિને બગાડવાના પ્રયાસ કરી રહ્યા છે. સાવચેતીના પગલા રૂપે હાલમાં જ જમ્મુ કાશ્મીરમાંથી ૭૦થી વધુ કુખ્યાત ત્રાસવાદીઓ અને કટ્ટરપંથીઓને જમ્મુ કાશ્મીરમાંથી ખસેડીને આગરા લઈ જવાયા હતા. આગરામાં સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમને રાખવામાં આવ્યા છે.

           બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં ટોચના અધિકારીઓની પણ સ્થિતિને સામાન્ય કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી ચુકી છે. આનુ નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને પણ અગાઉ મોટી જવાબદારી સોંપાઈ હતી.

(7:18 pm IST)