Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

આભ ફાટયું: બરવાળા-૧૫, રાજકોટ-૧૭, ચુડા ૧૦ ઇંચ સૌરાષ્ટ્રમાં અત્ર-તત્ર-સર્વત્ર ભારે વરસાદ

સૌરાષ્ટ્ર ઉપર સાંબેલાધાર વરસાદઃ ભાવનગર-સુરેન્દ્રનગર-બોટાદ-રાજકોટ-જામનગર જિલ્લામાં મેઘતાંડવ : નદી-નાળા-ડેમોમાં નવા નીરઃ સર્વત્ર શ્રીકાર ર થી ૧૦ ઇંચ ખાબકયોઃ રાતભર વરસાદથી રાજકોટ જળબંબાકારઃ ૯ ઇંચથી વધુ વરસાદઃ સુરેન્દ્રનગર જીલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણાઃ હજુ ૪૮ કલાક ભારે વરસાદની આગાહીઃ જામનગર જિલ્લામાં ૭ થી ૧૩ ઈંચ વરસાદ

રાજકોટ તા. ૧૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંં સર્વત્ર મેઘરાજાએ સટાસટી બોલાવતા પાણી પાણી થઇ ગયું છે ખાસ કરીને સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, બોટાદ, રાજકોટ જીલ્લામાં મેઘરાજા વધુ મેહરબાન થઇ રહ્યા છે સુરેન્દ્રનગર જીલ્લાના ચુડામાં ૧૦ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. જયારે ચોટીલામા ૭  ઇંચ, વઢવાણ, સુરેન્દ્રનગરમાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત લીંબડીમાં પ, બોટાદ જીલ્લાના બરવાળામાં પણ ભારે મેઘ ખાંગા થયા હોય  તેમ ૧પ ઇંચ વરસાદ વરસ્યો છે.

જયારે લખતરમાંં સાયલામાં સાડાપાંચ, ઇંચ, મુળી, ધ્રાંગધ્રામાં સાડા ૮ ઇંચ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ૮ ઇંચ વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે અને ગઇકાલ સાંજથી ધોધમાર અવિરત વરસાદ વરસતા  ચારે બાજુ પાણી-પાણી થઇ ગયું છે.

જામનગર જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. કાલાવડમાં ૧૩ ઈંચ, જોડીયા ૧૧, ધ્રોલ ૧૦, લાલપુર ૮, જામજોધપુરમાં ૭II ઈંચ વરસાદ ખાબકયો છે.

સુરેન્દ્રનગર અને બોટાદ જીલ્લામાં આભ ફાટયું હોય તેમ સુરેન્દ્રનગર જીલ્લામાં સર્વત્ર ૮ થી ૧૦ ઇંચ વરસાદ પડયો છે.

જયારે બોટાદ જીલ્લામાં પણ મેઘતાંડવ યથાવત છે.અને બોટાદના બરવાળામાં ૧પ ઇંચ ગઢડામાં ૧ર, બોટાદમાં ૧૧ અને રાણપુરમાં ૧૦ ઇંચ વરસાદ વરસ્યો છે.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :.. સુરેન્દ્રનગર જીલ્લામાં ગઇકાલ સવારથી મેઘરાજા મહેરબાન થયા હતા અને સાંજ સુધીમાં ૬ ઇંચ જેટલો વરસાદ વરસાદ વરસ્યા બાદ રાત્રીના ૮ થી સવારના ૮ વાગ્યા સુધીમાં મેઘરાજાએ સટાસટી બોલાવી  હતી અને સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતુ સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જીલ્લાનાં ચુડામાં  ૧૦ઇંચ જયારે મૌસમનો કુલ ૩૦ ઇંચ ખાબકયો હતો. જેના કારણે નદી, નાળા-છલકાઇ ગયા છે અને ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે.

હજુ આગામી ર૪ કલાક સુધી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે શાળા-કોલેજોમં રજા જાહેર કરી દેવામાં આવી છે.

બોટાદ

(સ્વસ્તિક વાઘેલા દ્વારા) બોટાદ : બોટાદ જીલ્લામાં પણ બારેમેઘ ખાંભા થઇ ગયા છે અને બરવાળામા ૧પ ઇંચ, ગઢડામાં ૧ર ઇંચ, બોટાદમાં ૧૧ ઇંચ, રાણપુરમાં ૧૦ ઇંચ વરસાદ ખાબકયો છે. જેના કારણે નદી-નાળામાં પાણી ભરાઇ ગયા છે અને ચેક ડેમ-તળાવમાં નવા નીર આવ્યા છે.

 શ્રાવણ માસમાં મેદ્યકૃપાથી સરવડા થતા ગુજરાત જળ શ્નમગ્નલૃથઈ ગયું છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રથી લઈને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુબજ આગામી ૪૮ કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જેને પગલે રાજય સત્તાધીશો અને સ્થાનિક તંત્રને ખડેપગે રહેવા એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં ૧૦ ઈંચ, રાજકોટ ૧૫ ઈંચ વધુ, મોરબી ૧૦ ઈંચ, બરવાળા ૧૫ ઈંચ, નલિયા ૮ ઈંચ, ભાવનગર ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બપોરે ૧૨ વાગ્યે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સેકટર ૧૯  જઈને રાજયમાં વરસાદી સ્થિતીની સમીક્ષા કરશે.

રાજયમાં શ્રીકાર વર્ષાને પગલે નીચાણવાળા ગામો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. સમગ્ર રાજયમાં વરસાદથી દિવાલ પડતા તેમજ ઈમારત પડતા મોતના અહેવાલ પણ સાંપડ્યા છે. નડિયાદમાં ગત રાત્રે એપાર્ટમેન્ટ ધરાશયી થતા ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે જયારે અમદાવાદના છેવાડાના શેલા વિસ્તારમાં દિવાલ પડતા પણ ચારના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.

શુક્રવારે સવાર સુધીમાં ચોવીસ કલાકમાં રાજકોટમાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ ખાબકયો હતો. જયારે કંડલામાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વલ્લભ વિદ્યાનગરમાં ૧૫૨ એમએમ, અમરેલીમાં ૧૪૨ એમએમ, પોરબંદર ૧૧૬ એમએમ, નલિયા ૧૦૩ એમએમ, ટંકારા, ૧૨૦ એમએમ, ઓખા ૯૫ એમએમ, દ્વારકા ૭૯ એમએમ, ભૂજ ૪૮ એમએમ, ડીસા ૪૬ એમએમ, વલસાડ ૫૨ એમએમ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

હવામાન વિભાગના મતે ડીપ ડિપ્રેશન હવળું પડતા હવે લો પ્રેશરની સ્થિતિમાં તબદીલ થયું છે અને આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાનો વર્તારો છે. રવિવાર સુધીમાં સક્રિય સિસ્ટમ પાકિસ્તાનના દક્ષિણ સિંધ તરફ ફંટાવાની સંભાવના છે જેને પગલે ઉઘાડ નિકળવાની શકયતા રહેલી છે. 

આ ઉપરાંત રાજયના ઠાસરા,ધોળકા, વિંછીયા,ચોટીલા,મોરબી, ટંકારા,ધ્રોળ, ઉમરપાડા, વિજાપુર, આમોદ, કોટડાસાંગાણી અને ઉમરેઠ મળી કુલ ૧૨ તાલુકાઓમાં ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે  જયારે લાલપુર,જેતપુરપાવી, માતર ,જોડીયા મહેમદાવાદ,ખંભાત,જાંબુધોડા, ગોંડલ, બોરસદ,ધનસુરા,સુબીર, માંગરોળ, દસાડા,અમદાવાદ શહેર, સાયલા,હાલોલ, કરજણ,લખતર, મૂળી,લીબડી, લોધીકા, કલ્યાણપુર, સોજીત્રા, સમી, ભાવનગર, તારાપુર,બાબરા અને હિંમતનગર મળી કુલ ૩૦ તાલુકાઓમાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

આ ઉપરાંત સાવલી, સિહોર, લાઠી,અમરેલી, વાડિયા, કપડવંજ, વડોદરા, પડધરી, વસો, ઘોઘંબા, ખેડા, માણસા, ડભોઇ, નેત્રંગ,જામનગર, પાટણ,આંકલાવ, પ્રાંતિજ ,જસદણ, સાગબારા, સોનગઢ, બોડેલી, ગરુડેશ્વર અને માળીયામીયાણા મળી કુલ ૨૪ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે  અન્ય ૩૦ તાલુકાઓમાં ૩ ઈચથી વધુ ,અન્ય ૫૧ તાલુકામાં બે ઇંચથી વધુ અને અન્ય ૪૬ તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ સાથે રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૭.૮૦ ટકા જેટલો નોધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં  ૯૮.૩૧ ટકા, કચ્છમાં ૬૧.૬૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૧.૪૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૭૭.૭૨ ટકા અને સૌરાષ્ટ્રમાં ૬૪.૧૫ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો હોવાના અહેવાલો છે.

શ્રાવણી માસમાં જ સાંબેલાધાર વરસાદથી રાજયના સંખ્યાબંધ માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હિંમતનગર – વિજાપુર હાઈવે ઉપર સાબરમતી નદી પરનો પુલ એકતરફથી બેસી ગયો છે જેને પગલે વાહનચાલકોને આવતા જતા તકેદારી રાખવા તંત્રએ ચેતવણી આપી છે. સુરેન્દ્ર નગરનો ધોળી ધજા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે તેમજ વઢવાણમાં સૌથી વધુ ૧૩ ઈંચ જેટલો વરસાદ ખાબકતા કોઝવે તેમજ પુલ પર પાણી ફરી વળ્યા છે.

સરદાર સરોવર ડેમ પછી ગુજરાતનો બીજા ક્રમો સૌથી મોટો ડેમ ગણાતા તાપી નદી સ્થિત ઉકાઈ ડેમના ૧૦ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને ૭૫,૦૦૦ કયુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તંત્રએ ઉકાઈ ડેમમાંથી પાણી છોડ્યું છે. નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી છે.

(3:43 pm IST)