Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

૩૦ કલાકમાં ૧૭ ઈંચઃ શહેર જળબંબાકારઃ મોસમનો ૩૭

રંગીલા રાજકોટમાં મેઘરાજાની સટાસટીઃ શ્રાવણી 'સરવડા'ને બદલે 'સાંબેલાધાર': રાજકોટમાં ૧૭ ઇંચ વરસાદ પડ્યાની પુષ્ટિ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઃ ગઈસાંજથી આજે સવાર સુધી ૮ ઈંચ ખાબકયા બાદ આજે બપોરે બે સુધીમાં વધુ ૯ ઈંચઃ મોડીરાતે બે કલાકમાં ત્રણ ઈંચ ખાબકી ગયો'તોઃ એકધારો સતત ચાલુ : આખુ શહેર જળબંબોળ

રાજકોટ, તા. ૧૦ : બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન મજબૂત બની વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે. આ સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાત ઉપર છે. ગઈકાલ સાંજથી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જમાવટ કરી હતી. દરમિયાન રાજકોટ શહેરમાં પણ મેઘરાજા ગઈકાલથી દે ધનાધન વરસી રહ્યા છે. ૩૦ કલાકમાં ૧૭ ઈંચ વરસાદ પડી ગયો છે તેવું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે એક નિવેદનમાં જણાવ્યું છે આ સાથે રાજકોટમાં મૌસમનો કુલ ૩૭ ઈંચ થઈ ગયાનું જાણવા મળે છે. ગઈકાલ સાંજથી અવિરત વરસાદ ચાલુ રહેતા આખુ શહેર જળબંબોળ બની ગયુ છે. શહેરભરના જાહેરમાર્ગોથી માંડીને નાની નાની શેરીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે.

 

આજે સવારથી એકધારો વરસાદ ચાલુ છે. શહેરભરમાં અનેક જગ્યાએ અને ખાસ કરીને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે મોડીરાત સુધી વરસાદ ચાલુ રહે તેવી પૂરેપૂરી શકયતાઓ છે.

રાજકોટ શહેરમાં ગઈકાલે સવારથી બપોર સુધીમાં હળવા - ભારે ઝાપટા ચાલુ રહ્યા બાદ સાંજના ચારેક વાગ્યાની આસપાસ મેઘરાજાએ અતિશય જોર પકડ્યુ હતું અને  ૧ થી ૧II કલાકમાં આશરે ૨ ઈંચ જેટલો વરસી ગયો હતો. ત્યારબાદ પણ મેઘરાજાએ વિરામ લીધો ન હતો. મોડીસાંજથી વરસાદ ચાલુ રહ્યો હતો. ત્યારબાદ રાત્રીના ફરી શરૂ થયો હતો. આખી રાત મેઘરાજા વરસ્યા હતા. ખાસ કરીને રાત્રે અઢી વાગ્યાથી ૪II વાગ્યા સુધીમાં ત્રણ ઈંચ પાણી પડી ગયુ હતું આમ માત્ર બે કલાકમાં ૩ ઈંચ ખાબકી ગયો હતો.

ગઈકાલથી સતત વરસાદ ચાલુ છે. આખા શહેરમાં પાણી ભરાયા છે. હવામાન ખાતાએ જણાવ્યા મુજબ ગઈકાલ સવારે ૮ વાગ્યાથી આજે સવારે ૮ વાગ્યા સુધીમાં ૨૦૦ મી.મી. (૮ ઈંચ) વરસાદ પડી ગયો હતો. આ લખાય છે ત્યારે બપોરે ૨ વાગ્યે પણ એકધારો વરસાદ ચાલુ છે. બિનસત્તાવાર મળતા આંકડાઓ મુજબ આજે સવારથી બપોર સુધીમાં વધુ ૯ ઈંચ ખાબકી ગયો છે.

(3:42 pm IST)