Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ફિલ્મો પણ ગર્ભ પરીક્ષણના દ્રશ્યો ન દેખાડી શકે: જયેશભાઈ જોરદાર ફિલ્મને લઇ હાઈકોર્ટનું તારણ

13મીએ રિલીઝ થશે જયેશભાઇ જોરદાર : કોર્ટે ફિલ્મને લીલીઝંડી આપી પણ ગર્ભપરીક્ષણના દ્રશ્યો સામે વાંધો

નવી દિલ્હી : ગર્ભમાં રહેલું બાળક છોકરો છે કે છોકરી તે માટે ગર્ભ પરીક્ષણ કરાવવાનું ગેરકાયદેસર છે અને તેને માટે કાયદામાં આકરી સજાની જોગવાઈ છે. સમાજનું આ એક મોટું દૂષણ છે અને હવે ફિલ્મોમાં પણ ગર્ભ પરીક્ષણના દ્રશ્યો ચલાવી લેવા હાઈકોર્ટ તૈયાર નથી. દિલ્હી હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં એવું જણાવ્યું કે કોઈ પણ ફિલ્મ ગર્ભ પરીક્ષણના દ્રશ્યો ન દેખાડી શકે. આગામી 13 મેએ રિલિઝ થનારી કોમેડી ફિલ્મ જયેશભાઈ જોરદારમાં દર્શાવવામાં આવેલા ગર્ભ પરીક્ષણના દ્રશ્યોને લઈને દિલ્હી હાઈકોર્ટે એવું જણાવ્યું ફિલ્મો ગર્ભપરીક્ષણના દ્રશ્યો ન દર્શાવી શકે તેને માટે પુરતા દાવા હોવા જોઈએ.  એક એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે આવી મહત્વની ટીપ્પણી કરીને ફિલ્મી નિર્માતાને બોધપાઠ આપ્યો હતો. 

જસ્ટિસ વિપિન સંઘી અને જસ્ટિસ નવીન ચાવલાની ખંડપીઠે કહ્યું કે ફિલ્મ સારી છે પરંતુ તેમાં દર્શાવવામાં આવેલા ગર્ભ પરીક્ષણના દ્રશ્યો ખોટા છે. જોકે હાઈકોર્ટે આ ફિલ્મને રિલિઝ થતા અટકાવી નથી અને તેને લીલીઝંડી આપી દીધી છે. હાઈકોર્ટને ફક્ત તેમાં દર્શાવવામાં આવેલા ગર્ભ પરીક્ષણના દ્રશ્યોની સામે વાંધો છે. ફિલ્મ નિર્માતાઓ વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે કહ્યું કે 10 મે સુધીમાં આ ફિલ્મ કોર્ટના અવલોકન માટે આપી દેવામાં આવશે. કોર્ટે એ પણ નોંધ્યું કે આ ફિલ્મ સારો સંદેશ આપવા માટે આગળ વધી શકે છે. પરંતુ આ દ્રશ્ય માટે, આવો કોઈ સંદેશ નથી. આ અંગે કોઈ ડિસ્ક્લેમર પણ નથી.

એક એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવું જણાવાયું હતું કે અમે જયેશભાઈ જોરદાર ફિલ્મ જોઈ છે અને તેમાં એક દ્રશ્યમાં એવું આવે છે કે એક કપલ અને તેમનો પરિવાર અલ્ટ્રાસાઉન્ડ ક્લિનિકમાં ગર્ભમાં રહેલા છોકરા કે છોકરીની તપાસ કરાવવામાં આવે છે અને ડોક્ટર મશીન ચાલુ કરીને પત્નીના પેટમાં રહેલું બાળક છોકરો કે છોકરી તેવું નક્કી કરી રહ્યાં છે. અરજદારે કહ્યું કે ફિલ્મમાં આગળ એવું જોવા મળી રહ્યું છે કે ફેમિલી મેમ્બરે ડોક્ટરને એવું કહેતા જોઈ શકાય છે કે જો છોકરો આવે તો જય શ્રી કૃષ્ણા બોલવાનું અને છોકરી આવે તો જય માતાજી બોલવાનું અને જે પછી ગર્ભપાત કરી નાખવાનો. અરજદાર કહે છે કે આ કાયદાનું ઉલ્લંઘન છે.

જયેશભાઈ જોરદાર' એ દિવ્યાંગ ઠક્કર દ્વારા દિગ્દર્શિત અને યશ રાજ ફિલ્મ્સ હેઠળ આદિત્ય ચોપરા અને મનીષ શર્મા દ્વારા નિર્મિત આગામી કોમેડી-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ એક પરંપરાગત ગુજરાતી સરપંચના પુત્ર તરીકે મુખ્ય ભૂમિકામાં છે, જે સમાજમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે સમાન અધિકારોમાં વિશ્વાસ રાખે છે. આ ફિલ્મ 13 મે, 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. 

   
(10:34 pm IST)