Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મહિન્દ્રા રાજપક્ષે દેશ નહીં છોડે :પૂર્વ પીએમએ નૌસૈનિક અડ્ડામાં લીધો ‘આશ્રય: લોકોએ બહાર કર્યું વિરોધ પ્રદર્શન

નમલે કહ્યું છે કે મહિન્દા રાજપક્ષે સાંસદ તરીકે રાજીનામું આપશે નહીં અને તેમના અનુગામીની પસંદગી કરવામાં સક્રિય ભૂમિકા ભજવશે

શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે દેશ છોડીને ભાગશે નહીં. તેમના પુત્ર નમલ રાજપક્ષેએ મંગળવારે ન્યૂઝ એજન્સી એએફપીને માહિતી આપી હતી. મહિન્દાના રાજીનામા બાદ તેમના સમર્થકોએ સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો હતો. જેના કારણે શ્રીલંકામાં જબરદસ્ત હિંસા થઈ રહી છે. શ્રીલંકા તેની આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશ મહિનાઓથી પાવર કટ અને મૂળભૂત વસ્તુઓના અભાવ સામે ઝઝૂમી રહ્યો છે. જેના કારણે દેશમાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. લોકોએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના રાજીનામાની માંગ કરી હતી.

સેનાએ સોમવારે મહિન્દા રાજપક્ષેને તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી પક્ડયા હતા. ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ સોમવારે રાત્રે તેમના ઘરને ચારે બાજુથી ઘેરી લીધું હતું. નમલે કહ્યું કે રાજપક્ષે પરિવારની શ્રીલંકા છોડવાની કોઈ યોજના નથી. તેણે કહ્યું ‘ઘણી અફવાઓ છે કે અમે દેશ છોડવાના છીએ. અમે દેશ છોડીશું નહીં.” તેણે તેના પરિવાર સામે દેશવ્યાપી આક્રોશને ખરાબ સમય ગણાવ્યો છે. નમલે કહ્યું છે કે મહિન્દા રાજપક્ષે સાંસદ તરીકે રાજીનામું આપશે નહીં અને તેમના અનુગામીની પસંદગી કરવામાં સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે. શ્રીલંકાએ પોલીસ અને સેનાને વોરંટ વિના લોકોની ધરપકડ કરવાની સત્તા આપી છે.

 

એવા અહેવાલ હતા કે ભૂતપૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે અને તેમના પરિવારના કેટલાક સભ્યોને કોલંબોમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન છોડ્યા પછી ત્રિંકોમાલી નૌસૈનિક અડ્ડા પર લઈ જવામાં આવ્યા હતા. સમાચાર મળતાં જ લોકોએ ત્રિંકોમાલી નૌસૈનિક અડ્ડાની સામે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. શ્રીલંકામાં સોમવારે તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ દેશના ભયંકર આર્થિક કટોકટી પર તેમને હટાવવાની માંગણી કરતા સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યા પછી હિંસા ફાટી નીકળી હતી. કોલંબો અને અન્ય શહેરોમાં થયેલી હિંસામાં 200થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.

દેશમાં આર્થિક સંકટ વચ્ચે મહિન્દા રાજપક્ષેએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાક્રમના કલાકો પહેલા રાજધાની કોલંબોમાં સેનાના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા અને મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની ઓફિસની બહાર પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યા પછી દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ડેઈલી મિરરે અહેવાલ આપ્યો છે કે મહિન્દા રાજપક્ષે અને તેમના પરિવારના કેટલાક સભ્યો વડાપ્રધાનના અધિકૃત નિવાસસ્થાન ટેમ્પલ ટ્રીઝ છોડીને ત્યાં પહોંચ્યા હોવાના અહેવાલો પછી ત્રિંકોમાલી નૌસૈનિક અડ્ડાની સામે વિરોધ શરૂ થયો છે.

   
(9:10 pm IST)