Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

એલોન મસ્કની માતાએ દાદા-દાદીની તાજમહલની તસવીરો શેર કરી

 નવી દિલ્હી, તા.૧૦ : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કના ભારત આવવાની અટકળો ચાલી રહી છે. સોમવારે તેમની એક ટ્વિટએ તેને વધુ બળ આપ્યું છે. મસ્કે હિસ્ટ્રી ડિફાઈન્ડ નામના ટ્વિટર હેન્ડલ પર જવાબ આપતાં ભારતીય વાસ્તુકલા પ્રત્યેનો તેમનો શોખ વ્યક્ત કર્યો હતો. તેમના ટ્વિટ પર તેમની માતા માય મસ્કએ તેમની સાસ-સસુરની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં આગ્રાના તાજમહેલની મુલાકાતનો ઉલ્લેખ છે.

એલોન મસ્કે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, આ અદ્ભુત છે. મેં ૨૦૦૭માં મુલાકાત લીધી હતી અને તાજમહેલ પણ જોયો હતો. જે ખરેખર વિશ્વની એક અજાયબી છે.

એલોન મસ્કના ટ્વીટના જવાબમાં તેમની માતાએ લખ્યું હતુ કે, ૧૯૫૪માં તમારા દાદા દાદી દક્ષિણ આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા જતા તાજમહેલ જોવા ગયા હતા. એક એન્જિનવાળા પ્રોપેલર એરક્રાફ્ટ રેડીયો અથવા જીપીએસ વગર આ મુસાફરી કરનારા તેઓ એકમાત્ર હતા. તેમનું સૂત્ર હતું 'ખતરનાક રીતે જીવો...પરંતુ સાવધાની સાથે.' કેટલાંક ભારતીય ટ્વિટર યુઝર્સે એલોન મસ્કના ટ્વીટનો જવાબ આપતા પુછ્યું હતું કે, 'ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવાની કોઈ યોજના છે?' અજિત શાને ટ્વીટ કર્યું હતુ કે, 'નજીકના સમયમાં ફરી ભારતની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યાં છો?

એલોન મસ્કે તાજેતરમાં ટ્વિટર માટે ૪૪ બિલિયન અમેરીકી ડોલરની સફળ બોલી લગાવી હતી. તેમણે ભૂતકાળમાં ભારતને ટેસ્લા ઈલેક્ટ્રિક કાર વેચવા માટે આયાત શુલ્ક ઘટાડવા કહ્યું છે પરંતુ સરકારે મેક ઈન ઈન્ડિયાના ભાગરૃપે ભારતમાં જ ઉત્પાદન કરવાનો આગ્રહ રાખ્યો છે. તમને જણાવી દઈએ કે, એક અહેવાલ અનુસાર મસ્ક ૨૭૩.૬ બિલિયન અમેરીકી ડોલરની અંદાજિત સંપતિ સાથે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે.

(7:49 pm IST)