Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પર હુમલો

ચંદીગઢમાં બ્લાસ્ટની ઘટનાઃપંજાબ પોલીસે આતંકવાદી ઘટનાનો ઈનકાર કર્યો, ઓફિસમાં રાખેલા વિસ્ફોટકોથી બ્લાસ્ટ થયો છે

નવી દિલ્હી, તા.૧૦ : પંજાબના મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટરના પરિસરમાં સોમવારે રાત્રે રોકેટ-સંચાલિત ગ્રેનેડ અથવા આરપીજી હુમલો કરવામાં આવ્યો હતો, જેણે બિલ્ડિંગના એક માળની બારીનો કાચ તોડી નાખ્યો હતો. જોકે, આ વિસ્ફોટમાં કોઈ ઘાયલ નથી થયું પરંતુ રાજકીય પક્ષોએ તેને ચિંતાજનક અને ચોંકાવનારી ઘટના ગણાવી હતી.

પોલીસે આ હુમલાને આરપીજી હુમલો ગણાવ્યો છે અને બ્લાસ્ટને સામાન્ય ગણાવ્યો છે. રવિવારે પંજાબ પોલીસે તરનતારન જિલ્લાના એક ગામમાંથી બે લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ૧.૫ કિલો આરડીએક્સ જપ્ત કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે પંજાબ પોલીસે આતંકી ઘટનાનો ઈનકાર કર્યો છે. ઓફિસમાં રાખેલા વિસ્ફોટકોથી બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ કોઈ આતંકવાદી ઘટના નથી. આ બ્લાસ્ટ મોહાલી વિજિલન્સ બિલ્ડીંગમાં થયો હતો.

મુખ્યમંત્રી ભગવંત માને ડીજીપી પાસેથી મામલાની સંપૂર્ણ માહિતી લીધી છે. મુખ્યમંત્રી સતત અધિકારીઓના સંપર્કમાં છે. ૨૪ એપ્રિલે ચંદીગઢની બુડૈલ જેલ પાસે વિસ્ફોટક સામગ્રી મળી આવ્યાના થોડા દિવસો બાદ બ્લાસ્ટની આ ઘટના બની છે.

આ વિસ્ફોટ સાંજે લગભગ ૭ઃ૪૫ વાગ્યે મોહાલીના સેક્ટર ૭૭ સ્થિત ઓફિસમાં થયો હતો. વિસ્ફોટના કારણે બિલ્ડિંગના એક માળની બારીના કાચ તૂટી ગયા હતા. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ વિસ્ફોટ કારમાં સવાર શકમંદોએ કર્યો હતો.

મોહાલી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સાંજે ૭.૪૫ વાગ્યે જીછજી નગરના સેક્ટર ૭૭માં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરના પરિસરમાં એક નાનો વિસ્ફોટ થયો હતો. કોઈ નુકસાનના અહેવાલ નથી. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે.

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ હુમલો આરપીજીથી થયો છે. આરપીજી એટલે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ પરંતુ પંજાબ પોલીસે આતંકી હુમલાની પુષ્ટિ કરી નથી. પંજાબ પોલીસનું કહેવું છે કે આ એક નાનો વિસ્ફોટ હતો.

(7:48 pm IST)