Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

શું પત્‍નિ સાથે બળજબરીથી શારીરિક સંબંધ બળાત્‍કાર ગણાશે?

કર્ણાટકમાં એક પરિણીત વ્‍યક્‍તિ પર તેની પત્‍નીએ બળાત્‍કારનો આરોપ લગાવ્‍યો હતો, જેના પર ટ્રાયલ કોર્ટે આઈપીસીની કલમ ૩૭૬ (બળાત્‍કાર) હેઠળ આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્‍યો હતોઃ આરોપીએ નીચલી કોર્ટના નિર્ણયને કર્ણાટક હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે આરોપીને તેની સામે નોંધાયેલા બળાત્‍કારના કેસનો સામનો કરવાનો પણ નિર્દેશ આપ્‍યો હતો : સુપ્રીમ કોર્ટ આ સંબંધિત કાયદાની સમીક્ષા કરશે

નવી દિલ્‍હી, તા.૧૦: સુપ્રીમ કોર્ટ સમીક્ષા કરશે કે શું પત્‍ની તેના પતિ પર બળાત્‍કારનો કેસ કરી શકે છે. એટલે કે શું પતિને પત્‍ની પર જબરદસ્‍તી કરવાનો અધિકાર છે? હાલના કાયદા મુજબ પત્‍ની તેના પતિ પર બળાત્‍કારનો દાવો કરી શકે નહીં. પુરુષને તેની પત્‍ની સાથે તેની ઈચ્‍છા મુજબ સંબંધ રાખવાનો અધિકાર છે. વૈવાહિક બળાત્‍કાર એટલે કે વિવાહિત જીવનમાં બળજબરીથી સંબંધ બાંધવો ગુનો માનવામાં આવતો નથી. અનેક મહિલા સંગઠનો વર્ષોથી તેને અપરાધની શ્રેણીમાં લાવવાની માંગ કરી રહ્યાં છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્‍યો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે કર્ણાટકના એક કેસમાં નોટિસ જારી કરીને રાજય સરકાર પાસેથી જવાબ માંગ્‍યો છે. આ મામલામાં આગામી સુનાવણી ૩ જુલાઈએ થશે. વાસ્‍તવમાં, કર્ણાટકમાં એક પરિણીત વ્‍યક્‍તિ પર તેની પત્‍નીએ બળાત્‍કારનો આરોપ લગાવ્‍યો હતો, જેના પર ટ્રાયલ કોર્ટે આઈપીસીની કલમ ૩૭૬ (બળાત્‍કાર) હેઠળ આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્‍યો હતો. આરોપીએ નીચલી કોર્ટના નિર્ણયને કર્ણાટક હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે આરોપીને તેની સામે નોંધાયેલા બળાત્‍કારના કેસનો સામનો કરવાનો પણ નિર્દેશ આપ્‍યો હતો.
નીચલી કોર્ટમાં ૨૯ મેથી ટ્રાયલની કાર્યવાહી શરૂ થશે. આ કેસ સામે પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પતિએ પોતાની અરજીમાં કહ્યું છે કે કાયદા મુજબ તેના પર બળાત્‍કારનો કેસ કરી શકાય નહીં. તેથી નીચલી અદાલતની કાર્યવાહી પર સ્‍ટે મુકવો જોઈએ. સુપ્રીમ કોર્ટે મંગળવારે નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી ન હતી, પરંતુ અરજદારને નીચલી કોર્ટને જણાવવા કહ્યું હતું કે આ મામલાની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટ કરી રહી છે. સુપ્રીમ કોર્ટ હવે આ કાયદાની સમીક્ષા કરશે.(૨૩.૨૫)

 

(3:00 pm IST)