Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ચીનમાં કોરોનાનો કાળો કહેરઃ ઘરમાંથી બહાર નિકળવા પર પ્રતિબંધ

બે સૌથી મોટા શહેરમાં સોમવારે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રતિબંધો વધારે કડક કરવામાં આવ્‍યા છે : સામાનની ડિલીવરી પણ ન લેવા આદેશ :

બીજીંગ, તા.૧૦: ચીનમાં કોરોનાનો કહેર હજૂ પણ ચાલું છે. દેશના બે સૌથી મોટા શહેરમાં સોમવારે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રતિબંધો વધારે કડક કરવામાં આવ્‍યા છે. તેને લઈને જનતામાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. એટલું જ નહીં ચીનની ઝીરો કોવિડ પોલીસી પર પણ સવાલો થઈ રહ્યા છે.
શાંઘાઈમાં સતત છ અઠવાડીયાથી લાગેલું લોકડાઉન હજૂ પણ ચાલું છે. કહેવાય છે કે, અહીં સંક્રમણને રોકવા માટે પ્રતિબંધો વધારે કડક કરવામાં આવી રહ્યા છે. જો કે, તેને લઈને સત્તાવાર જાહેરાત થઈ નથી. કહેવાય છે કે, શાંઘાઈમાં ૧૬ જિલ્લામાંથી ચારમાં લોકો અઠવાડીયાના અંતમાં નોટિસ આપવામાં આવી હતી કે, તેઓ ઘરમાંથી બહાર નિકળી શકશે નહીં, સામાનની ડિલીવરી પણ લઈ શકશે નહીં, જો કે, અગાઉ લોકોને ઘરની બહાર રેઝિડેંટલ એરિયામાં ફરવાની છૂટ આપી હતી.
આ બાજૂ રવિવારે લાગેલા નવા પ્રતિંબંધોના વિરોધ પણ થવા લાગ્‍યા છે. શાંઘાઈમાં રહેનારા લોકોનું કહેવુ છે કે, અહીં અમે જેલમાં રહીએ છીએ, અમને કોરોનાથી નહીં પણ સરકારની નીતિઓથી ડર લાગે છે.
આ તમામની વચ્‍ચે બેઈજીંગમાં અત્‍યાર સુધીમાં સૌથી ગંભીર પ્રતિબંધો લગાવામાં આ્‌યા છે. અહીં દક્ષિણ-પશ્ચિમમાં સોમવારે તમામ નાગરિકોને બહાર નિકળવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં વાયરસ ન ફેલાઈ તેના માટે સંબંધિત ગતિવિધિઓ પર પણ પ્રતિબંધો લગાવી દીધા છે.
આ ઉપરાંત બેઈઝીંગના અન્‍ય વિસ્‍તારોમાં પણ લોકોને વર્ક ફ્રોમ કરવાની જાહેરાત કરી છે. અમુક રેસ્‍ટોરંટ અને પબ્‍લિક ટ્રાંસપોર્ટને પણ બંધ કરી દેવામાં આવ્‍યા છે. એટલું જ નહીં કેટલીય ઈમારતો અને પાર્કને પણ સીલ કરી દેવામાં આવ્‍યા છે.
કહેવાય છે કે, ચીનના આકરા પ્રતિબંધોના કારણે તેની અર્થવ્‍યવસ્‍થાને માઠી અસર થઈ છે. સોમવારે જાહેર થયેલા આંકડા અનુસાર, ચીનની નિર્યાત વૃદ્ધિ લગભગ બે વર્ષમાં સૌથી નબળી સ્‍થિતિમાં પહોંચી ગઈ છે. એટલુ જ નહીં ચીનના અન્‍ય બિઝનેસ પર પણ કોરોનાની અસર થઈ છે.

 

(2:58 pm IST)