Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

માનવીય દખલથી પક્ષીઓની અડધી પ્રજાતીઓ પર જોખમ

વિશ્‍વમાં ૪૮ ટકા અને ભારતમાં ૫૦ ટકા વસ્‍તી ઘટી

નવી દિલ્‍હી, તા.૧૦: દુનિયાભરમાં પક્ષીઓની વસ્‍તીમાં ભારે ઘટાડો થઇ રહ્યો છે. પક્ષીઓ અંગે પર્યાવરણ અને સંશોધનોની વાર્ષિક સમીક્ષા પત્રિકા ‘સ્‍ટેટ ઓફ ધ વર્લ્‍ડ બર્ડસમાં પ્રકાશિત રિપોર્ટમાં કેટલીય સંસ્‍થાઓના વૈજ્ઞાનિકોએ અભ્‍યાસ કરીને આ તારણ કાઢયુ છે.
અભ્‍યાસમાં કહેવાયુ છે કે પ્રાકૃતિક આવાસોના નુકશાન અને તેમાં ઘટાડો તથા કેટલીય પ્રજાતિઓનો વધારે પડતો શિકારને કારણે પક્ષીઓના જૈવિક વૈવીધ્‍યને મોટુ જોખમ થઇ રહ્યું છે. જળવાયુ  પરિવર્તનને પણ હવે પક્ષીઓને વસ્‍તીમાં ઘટાડા માટે જવાબદાર માનવામાં આવે છે.
મુખ્‍ય અભ્‍યાસકર્તા એલેઝાન્‍ડર બીસ કહે છે કે આપણે હવે ખંડીય રીતે વિતરીત પક્ષી પ્રજાતિઓના વિલુપ્‍ત થવાની નવી લહેરના પ્રાથમિક સંકેતો જોઇ રહ્યા છીએ. વિશ્‍વમાં ઉષ્‍ણ કટીબંધ વિસ્‍તારોમાં પક્ષીઓની વિવિધતા ઘણી વધારે છે અને ત્‍યાં જ જોખમમાં રહેલી સૌથી વધારે પ્રજાતિઓ છે.
અભ્‍યાસમાં કહેવાયુ છે કે દુનિયાભરમાં રહેલી વર્તમાન પક્ષી પ્રજાતિઓમાંથી લગભગ ૪૮ ટકાની વસ્‍તી ઘટી રહી છ. ૩૯ ટકા પ્રજાતિની વસ્‍તી સ્‍થિર છે. ફકત ૬ ટકા પ્રજાતિની વસ્‍તી વધી રહી છે જયારે ૭ ટકા પ્રજાતિ બાબતે કોઇ માહિતી નથી.
૨૦૧૯ના એક પ્રાથમિક અભ્‍યાસના પરિણામોમાં એ દર્શાવાયુ હતુ કે છેલ્લા ૫૦ વર્ષો દરમ્‍યાન અમેરિકા અને કેનેડામાં લગભગ ૩ અબજ પક્ષીઓ પર્યાવરણીય આરોગ્‍યના નજરે દેખાતા અને સંવેદનશીલ સંકેતકો છે. તેનું નુકશાન જૈવ વિવિધતાનું બહુ મોટું નુકશાન છે. જે લોકોના આરોગ્‍ય અને કલ્‍યાણ માટે જોખમનો ઇશારો છે.
ભારતમાં પણ સ્‍થિતી ઓછી ચિંતાજનક નથી. છેલ્લા પાંચ વર્ષોમાં ૧૪૬ પ્રજાતિઓની વસ્‍તી લગભગ ૮૦ ટકા ઘટી છે. તેમાંથી ૫૦ ટકા પ્રજાતિઓની વસ્‍તી ઝડપથી ઘટી રહી છે. અભ્‍યાસમાં જાણવા મળ્‍યુ કે ૬ ટકાથી વધારે પ્રજાતિઓની વસ્‍તી સ્‍થીર છે. જયારે ૧૪ ટકા પ્રજાતિઓની વસ્‍તી વધી રહી છે.

 

(2:42 pm IST)