Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જાણીતા સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન

છેલ્લા છ મહિનાથી કિડની સંબંધિત સમસ્‍યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા

મુંબઇ, તા.૧૦: ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્‍ટને કારણે નિધન થયું છે. તેઓ ૮૪   વર્ષના હતા. તેઓ છેલ્લા છ મહિનાથી કિડની સંબંધિત સમસ્‍યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા.

પંડિત શિવકુમાર શર્માનો જન્‍મ જમ્‍મુમાં થયો હતો. તેમણે ૧૩ વર્ષની ઉંમરથી જ સંતૂર શીખવાનું શરૂ કર્યુ હતુ. તેમનું પહેલું પરફોર્મન્‍સ વર્ષ ૧૯૫૫માં મુંબઇમાં થયું હતુ

જણાવી દઈએ કે પંડિત શિવ કુમાર શર્માનું સિનેમા ક્ષેત્રે મહત્‍વનું યોગદાન હતું. બોલિવૂડમાં ‘શિવ-હરિ' તરીકે પ્રખ્‍યાત શિવ કુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયાની જોડીએ ઘણા સુપરહિટ ગીતોને સંગીત આપ્‍યું. તેમાંથી સૌથી પ્રખ્‍યાત ફિલ્‍મ ‘ચાંદની'નું ગીત ‘મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં' હતું જે દિવંગત અભિનેત્રી શ્રીદેવી પર બનાવવામાં આવ્‍યુ હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૫ મેના રોજ પંડિત શિવ કુમાર શર્માનો કોન્‍સર્ટ યોજાવા જઈ રહ્યો હતો. તેમનો અવાજ સાંભળવા ઘણા લોકો રાહ જોઇ રહ્યા હતા. લાખો લોકો શિવ-હરિની જુગલબંધી સાથે તેમની સાંજને ઉજ્જવળ કરવા રાહ જોઈ રહ્યા હતા. પરંતુ અફસોસ, કોન્‍સર્ટના થોડા દિવસ પહેલા જ શિવકુમાર શર્માએ આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.

દુઃખ વ્‍યક્‍ત કરતાં વિશાલ દદલાનીએ લખ્‍યું, સંગીત જગત માટે બીજી મોટી ખોટ. પંડિત શિવકુમાર શર્માની જગ્‍યા કોઇ નહીં લઇ શકે. યશ ચોપરાએ શિવ-હરિની જોડીને ફિલ્‍મોમાં પહેલો બ્રેક આપ્‍યો હતો. ૧૯૮૧ની ફિલ્‍મ સિલસિલામાં શિવ-હરિની જોડીએ સંગીત આપ્‍યું હતું. બંનેએ યશ ચોપરાની ચાર ફિલ્‍મો સહિત કુલ આઠ ફિલ્‍મો માટે સંગીત આપ્‍યું હતું. આ ફિલ્‍મોમાં સિલસિલા, ફાસલે, વિજય, ચાંદની, લમ્‍હે, પરંપરા, સાહિબાન, ડર જેવી ફિલ્‍મો સામેલ છે.(

(3:20 pm IST)