Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

પુત્ર અને વહુ બાળક પેદા કરતા નહોતા એટલે માતાપિતાએ કર્યો કેસ

માવતર કમાવતર થયા હરિદ્વારમાં એક અજીબ પ્રકારનો કેસ : વૃદ્ધ માતાપિતાને જોઈતું હતું પૌત્ર સુખ પૌત્ર સુખ ન મળવાથી થઈ રહી છે માનસિક પરેશાનીઃ પુત્રના ઉછેરમાં થયેલો ૫ કરોડનો ખર્ચ પાછો માગ્‍યો

હરિદ્વાર, તા.૧૦: માતાપિતાને પુત્ર કરતા પૌત્ર વધારે વ્‍હાલો હોય છે. એક કહેવત છે ને રુપિયા કરતા વ્‍યાજ વધારે વ્‍હાલુ લાગતું હોય છે કારણ કે રુપિયા તો આપણા જ હોય છે પરંતુ વ્‍યાજ પારકું હોય છે તે ખૂબ વ્‍હાલું લાગતું હોય છે તેવી રીતે માતાપિતાને પુત્ર કરતા પૌત્ર વધારે વ્‍હાલો લાગતો હોય છે અને પૌત્રનું મોં જોવા માટે માતાપિતાએ ખૂબ આતુર હોય છે પરંતુ જયારે પોતાનું ધાર્યું થતું નથી ત્‍યારે તેઓ ખુબ ચિંતિત થઈ જતા હોય છે પરંતુ હરિદ્વારના એક માતાપિતાએ તો તેમના પુત્ર અને વહુ પર કેસ કરી દીધો કારણ ફક્‍ત એટલું જ પુત્ર અને વહુને લગ્નના છ વર્ષ પછી પણ બાળક થતું નહોતું. તેઓ મરતા પહેલા પૌત્રનું મોઢું જોવા ખૂબ ઉત્‍સુક હતા પરંતુ પુત્ર અને વહુ આવું કરવા તૈયાર  નહોતા, આખરે તેમણે એક વકીલ મારફતે કેસ દાખલ કરાવ્‍યો અને પુત્રના ઉછેરનો ૫ કરોડનો ખર્ચ માગ્‍યો.

વૃદ્ધ દંપતીના વકીલ અરવિંદ કુમાર શ્રીવાસ્‍તવે જણાવ્‍યું હતું કે સંજીવ રંજન પ્રસાદ ભેલમાં અધિકારી તરીકે કામ કરતા હતા. નિવૃત્તિ બાદ તેઓ પત્‍ની સાધના પ્રસાદ સાથે હાઉસિંગ સોસાયટીમાં રહે છે. આ દંપતીએ તેમના એકમાત્ર પુત્ર શ્રેય સાગર સાથે ૨૦૧૬ માં નોઈડાની શુભાંગી સિંહા સાથે લગ્ન કર્યા હતા. શ્રેય સાગર પાયલટ છે, જયારે તેની પત્‍ની શુભાંગી પણ નોઈડામાં જ નોકરી કરે છે. વૃદ્ધ દંપતીએ કોર્ટમાં અરજી કરી જણાવ્‍યું હતું કે લગ્નના છ વર્ષ પછી પણ તેમના પુત્ર અને પુત્રવધૂ બાળકો પેદા નથી કરી રહ્યા, જેના કારણે તેઓ ઘણી માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યા છે.

માતા-પિતાએ પોતાના બાળકોને ઉછેરવા માટે પોતાની આખી મૂડી લગાવી દીધી હતી, પરંતુ હરિદ્વારના આ દંપતીએ કોર્ટને અપીલ કરી છે કે તેઓ પોતાના પુત્રના ઉછેર પાછળ લગભગ ૫ કરોડ રૂપિયાનો ખર્ચ પુત્રવધૂ અને પુત્ર પાસેથી પાછો મેળવે. તેમનું કહેવું છે કે દીકરાને આટલો સક્ષમ બનાવ્‍યા પછી પણ જો તેને વૃદ્ધાવસ્‍થાના દિવસોમાં એકલા રહેવું પડે તો તે તેની સાથે ત્રાસ આપવા જેવું છે. વૃદ્ધ દંપતીની અરજી પર કોર્ટમાં કેસ નોંધવામાં આવ્‍યો છે. આ કેસની સુનાવણીની આગામી તા. ૧૭ મે નક્કી કરવામાં આવી છે

(10:13 am IST)