Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વીજળી ગુલ અને બદલાઈ ગઈ દુલ્‍હનઃરાત્રિના અંધકારમાં બે બહેનોના લગ્નમાં થઈ મોટી ગરબડ

ભોપાલ, તા.૧૦: ઉનાળામાં વીજળીનું ભાગી જવું સહજ બની ગયું છે. પરંતુ વીજળી ગૂલ થઈ જતાં કોઈકની જિંદગી સાથે ખીલવાડ થઈ શકે તેવી ઘટના જોવા મળી છે. ઉનાળાની દાહક ગરમીમાં લોકો રાત્રિ લગ્નનું આયોજન કરે છે. એવા સમયે એક પરિવારને રાત્રે લગ્ન કરવા મોંઘા પડી ગયા છે. વીજળી જતી રહેવાને પગલે અંધારામાં લગ્નની વિધિ ચાલુ હતી એ દરમિયાન દુલ્‍હનોના દુલ્‍હાઓ બદલાઈ ગયા હતા. જયારે લાઈટ આવી ત્‍યારે બધા એકદમ હેબતાઈ ગયા. જે છી લગ્નના ફેરા વખતે તે ભૂલને સુધારી લેવાઈ હતી.

મધ્‍યપ્રદેશમાં બનેલી એક અજીબો ગરીબ ઘટનામાં વીજળી ગૂલ થવાથી લગ્નની વિધિમાં મોટી ગરબડ થઈ ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે ઉજ્જૈન જિલ્લામાં રહેતા રમેશલાલની ત્રણ પુત્રીઓ અને એક પુત્રના લગ્ન હતા. બે પુત્રીઓ નિકિતા અને કરિશ્‍માના અનુક્રમે ભોલા અને ગણેશ નામના યુવક સાથે લગ્ન લેવાયા હતા. બંને અલગ અલગ પરિવારથી છે. જાન આવ્‍યા પછી લગભગ રાત્રિના સાડા અગિયાર વાગ્‍યે માતા પૂજનની વિધિ દરમિયાન બંને દુલ્‍હનોએ અલગ અલગ વરરાજાનો હાથ પકડીને પૂજા પૂરી કરી હતી.

દરમિયાન લગ્ન ની વિધિઓ ચાલી રહી હતી ત્‍યારે રાત્રે સાડા અગિયાર વાગ્‍યે લાઈટો ગઈ હતી. એક કલાક બાદ લાઈટો આવી ત્‍યારે ખબર પડી હતી કે, નવવધૂ બદલાઈ ગઈ છે અને નિકિતાએ ગણેશ તેમજ ભોલાએ કરિશ્‍માનો હાથ પકડી રાખ્‍યો હતો. આ જોઈને પરિવાર જનો પણ દંગ રહી ગયા હતા. જો કે આ ભૂલને સવારે પાંચ વાગ્‍યે ફેરા દરમિયાન સુધારી લેવામાં આવી હતી અને નક્કી કરેલા સંબંધો પ્રમાણે જ કન્‍યાઓને તેમના વરરાજા સાથે ફેરા લેવડાવ્‍યા હતા.

ગામલોકોનુ કહેવુ છે કે, અમારા માટે વીજળી ગૂલ થવી નવી વાત નથી.કલાકો સુધી વીજળી ગાયબ રહેતી હોય છે પણ આ વખતે અંધારામાં દુલ્‍હા-દુલ્‍હન જ બદલાઈ ગયા આવું પહેલી વખત થયું હતું.

(10:09 am IST)