Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

LPGની કિંમત ૧૮ મહિનામાં બમણી થઇ

ભારતમાં સૌથી મોંઘો LPG

નવી દિલ્‍હી,તા.૧૦: કોમર્શિયલ એલપીજી બાદ હવે ઘરેલુ એલપીજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્‍યો છે. શનિવારે (૭ મે, ૨૦૨૨) ના રોજ, એલપીજી ગેસ સિલિન્‍ડર (૧૪.૨ કિગ્રા)ની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો હતો. આ સાથે એલપીજી સિલિન્‍ડરની કિંમત ૧૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. અત્‍યારે ભારતમાં LPGની  સૌથી વધુ કિંમત છે. આ મહિનાની શરૂઆતમાં ઓઈલ કંપનીઓએ ગેસના ભાવમાં ૧૦૨.૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો. આ ભાવ ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્‍ડર પર વધારવામાં આવ્‍યા છે.

નવેમ્‍બર, ૨૦૨૦માં તે રૂ. ૫૯૪ હતો, જે ડિસેમ્‍બર ૨૦૨૦માં  વધારીને રૂ. ૬૯૪ કરવામાં આવ્‍યો. આ પછી ફેબ્રુઆરી ૨૦૨૧માં એલપીજી સિલિન્‍ડરની કિંમત વધીને ૭૬૯ થઈ ગઈ અને માર્ચ ૨૦૨૧ સુધીમાં સિલિન્‍ડરની કિંમત વધીને ૮૧૯ થઈ ગઈ. ઓક્‍ટોબર, ૨૦૨૧માં ૮૯૯.૫, એપ્રિલ ૨૦૨૨માં  ૯૪૯.૫ અને મે ૨૦૨૨માં રૂ. ૯૯૯.૫. જો તમે વિશ્વમાં એલપીજીની કિંમત પર નજર નાખો તો ભારતમાં તે સૌથી વધુ છે.

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના ભાવમાં વધારો કરવામાં આવ્‍યો હતો. ૨૨ માર્ચે ઘરેલુ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો હતો. આ પછી દિલ્‍હીમાં ગેસ સિલિન્‍ડરની કિંમત ૯૪૯.૫૦ રૂપિયા થઈ ગઈ હતી.

ગયા મહિને એપ્રિલમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્‍ડરના ભાવમાં વધારો કરવામાં આવ્‍યો હતો. તે સમયે તેની કિંમતમાં ૨૪૯.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્‍ડરનો વધારો કરવામાં આવ્‍યો હતો, ત્‍યારબાદ દિલ્‍હીમાં આ સિલિન્‍ડરની કિંમત ૨૨૫૩ રૂપિયા થઈ ગઈ હતી. આ પછી, ૧ મે, ૨૦૨૨ ના રોજ, કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્‍ડરની કિંમતમાં ૧૦૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો અને ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમત પ્રતિ સિલિન્‍ડર ૨,૩૫૫ રૂપિયા થઈ ગઈ.

આ વધારા બાદ પટનામાં ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્‍ડરની કિંમત ૧૦૮૯.૫ રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, લખનૌમાં તેની કિંમત ૧૦૩૭.૦૫ રૂપિયા થઈ ગઈ છે, જયારે પંજાબમાં તેની કિંમત ૧૦૩૫ રૂપિયા પર પહોંચી ગઈ છે.

(2:22 pm IST)