Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

નાગપુરમાં ફળ વેચનારો ડોક્ટર બનીને દર્દીઓની સારવાર કરે છે

કોરોનાના કપરા સમયમાં લોકો માનવતા વિસરી ગયા : આરોપીએ તબીબી માહિતી મેળવી, પોલીસે ઓક્સિજન સિલિન્ડર, વધુ પ્રમાણમાં દવા, ગર્ભપાતની ગોળી જપ્ત કરી

મુંબઇ, તા. ૧૦ : કોરોનાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. ત્યારે અમૂક જણ માનવતા ભૂલીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. નાગપુરમાં ફળ વેચનારો બનાવટી ડોકટર બનીને કોરોનાના દર્દીની સારવાર કરતો હોવાની  જાણ થતા ચકચાર જાગી હતી.  સોશ્યિલ મીડિયાના માધ્યમથી તેણે તબીબી માહિતી મેળવી હોવાનુ કહેવાય છે.

પોલીસે આરોપી પાસેથી ઓક્સિજન સિલિન્ડર મોટા પ્રમાણમાં દવા, ગર્ભપાતની ગોળી જપ્ત કરી છે. નાગપુરના કામઠી  પરિસરમાં રહેતો ચંદન ચૌધરી અગાઉ ફ્રૂટ, આઇસ્ક્રિમ, જયુસ વેચતો હતો. પછી તેણે સોશ્યિલ મિડીયા દ્વારા તબીબી માહિતી મેળવી, બૉગસ ડિગ્રી બનાવીને હોસ્પિટલ શરૂ કરી હતી. યુટયુબ, ઇન્ટરનેટ પરથી અન્ય માહિતીના આધારે તે દર્દીને દવા, ઇન્જેકશન આપતો, સલાઇન લગાડતો હતો. હાલમાં તે પીપીઇ કિટ પહેરી કોરોનાના સારવાર કરતો હતો. આ અંગે પોલીસને જાણ થઇ હતી પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

(9:42 pm IST)