Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

અગસ્ટા વેસ્ટલેન્ડના વચેટિયા

મિશેલની CBIને ફરિયાદ : જેલમાં બાફેલા શાકભાજી ખાઇ વજન ૧૬ કિલો ઘટી ગયું

નવી દિલ્હી તા. ૧૦ : અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં કથિત રીતે વચેટીયાની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચિયન મિશેલે તિહાડ જેલમાં તેમને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને સીબીઆઈ કોર્ટમાં ફરિયાદ કરી છે. મિશેલે સીબીઆઈ કોર્ટમાં કહ્યું કે, જેલમાં પિરસવામાં આવતા ખરાબ ભોજનને કારણે તેમનું વજન ૧૬ કિલો ઘટી ગયું છે.  ભોજનમાં તેમને માત્ર બાફેલા શાકભાજી પિરસવામાં આવી રહ્યાં છે.

સીબીઆઈ કોર્ટે મિશેલની દલીલો સાંભળીને કહ્યું કે, જેલ ઓથોરિટીને આ મામલે તપાસ માટે જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવશે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર કોર્ટે જેલ ઓથોરિટી અને ડોકટરને પણ આ મામલે તેમની જવાબ રજૂ કરવા કહ્યું છે. આ મામલે આગામી સુનાવણી ૧૦ મે ના રોજ હાથ ધરાશે. મહત્વનું છે કે, આ પહેલાં પણ મિશેલના વકીલે જેલમાં મિશેલને માનસિક ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવ્યો હતો જેના પર કોર્ટે વોરંટ ઈશ્યૂ કર્યું હતું.

મિશેલને ગત વર્ષે ૨૨ ડિસેમ્બરના રોજ સંયૂકત અરબ અમીરાતથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવ્યો હતો. તેને ૩૬૦૦ કરોડ રૂપિયાના હેલિકોપ્ટર ડીલના મામલે ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨૮ ડિસેમ્બરના રોજ ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, ડિસેમ્બર ૨૦૧૮માં જ મિશેલે દિલ્હીની કોર્ટમાં અરજી દાખલ કરીને જેલમાં તેને અલગ સેલ આપવાનો અનુરોધ કર્યો હતો. તેમના વકીલ જોસફ અને વિષ્ણુ શંકરે આ અરજી દાખલ કરી હતી. તો બીજી તરફ ગત મહિને મિશેલે તેમના પરિવાર સાથે ઈસ્ટરની ઉજવણી માટે સાત દિવસના વચ્ચગાળાના જામીનની માગ કરી હતી, પરંતુ દિલ્હીની એક કોર્ટે મિશેલની આ જામીન અરજીને ફગાવી દીધી હતી.

(2:50 pm IST)