Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોરોનાની નવી લહેર ચિંતાજનક : કર્ણાટકના બેંગ્લોર અને અન્ય ૬ શહેરોમાં નાઇટ કર્ફયુની જાહેરાત

બેંગ્લુરૂ તા. ૧૦ : કર્ણાટકમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૦૦ જેટલા કેસ નોંધાયા છે, આ વર્ષે રાજયમાં નોંધાયેલા કેસના એક દિવસનો સૌથી ઊંચો રેકોર્ડ છે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૭,૯૫૫ નવા કેસ નોંધાયા છે. કોરોનાના એકિટવ કેસનો આંકડો વધીને ૫૮,૦૮૪ થયો છે. કોરોનાના આ કેસમાં સૌથી મોટો ફાળો રાજધાની બેંગ્લોરનો છે, જયાં ૨૪ કલાકમાં ૫૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના મોટાભાગના કેસો આવી રહ્યા છે. આ ઉપરાંત કર્ણાટક, છત્તીસગઢ, યુપી, દિલ્હી, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, કેરળ અને પંજાબ કોરોનાના ૧૦ સૌથી વધુ અસરગ્રસ્ત રાજયોમાં સામેલ છે. બેંગ્લુરૂ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ૪ હજારથી વધુ કેસ નોંધાય છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણને કારણે ૪૬ લોકોનાં મોત નીપજયાં છે, ત્યારબાદ કોરોનાથી મૃત્યુની સંખ્યા વધીને ૧૨,૮૧૩ થઈ ગઈ છે. જો કે રાહતની વાત એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૨૦ લોકો સાજા થયા છે, આમ, કોરોનાથી અત્યાર સુધીમાં ૯,૭૭,૧૬૯ લોકો કર્ણાટકમાં સાજા થઈ ચૂકયા છે. નોંધપાત્ર વાત એ છે કે કર્ણાટક પણ દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજયોમાંથી એક છે. કોરોનાના નવા કેસોમાં ઉછાળાને ધ્યાનમાં રાખીને શનિવારથી બેંગ્લુરૂ અને રાજયના અન્ય ૬ શહેરોમાં નાઇટ કફર્યુ જાહેર કરવામાં આવ્યો છે. સરકારે ગુરૂવારે તેની જાહેરાત કરી હતી. રાત્રિના કફર્યુનો સમયગાળો સવારે ૧૦ થી સવારે ૫ વાગ્યા સુધીનો રહેશે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજયોને કોવિડ -૧૯ પર નિયંત્રણ લેવા માટે લાગુ કરવા વિનંતી કર્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે.

(4:11 pm IST)