Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ફેસબુક યુઝર્સની માહિતી કેટલા લોકો સુધી પહોંચી તે કળી શકાય તેમ નથી, કારણ કે અનેક લોકો તેમાં સંકળાયેલા હતાંઃ કેમ્બ્રિજ અેનાલિટિકાના પૂર્વ કર્મચારી ક્રિસ્‍ફોટર વાઇલી

ફોટોઃ Christopher Wylie, Facebook-Cambridge Analytica whistleblower

નવી દિલ્હીઃ ડેટાલીક મામલે કેમ્બ્રિજ અેનાલિટિકાના પૂર્વ કર્મચારીઅે જણાવ્યું છે કે, ફેસબુક યુઝર્સની માહિતી કેટલા લોકો સુધી પહોંચી તે જાણવું મુશ્કેલી છે. કારણ કે, તેમાં અનેક લોકો સંકળાયેલા હતાં.

વર્ષ 2016માં યોજાયેલી અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં કેમ્બ્રિજ એનાલિટિકાની સંડોવણી ધરાવતા ડેટા પ્રાઈવસી કૌભાંડને પ્રકાશમાં લાવનાર વ્હિસલ બ્લોઅર એવા એનાલિટિકાના પૂર્વ કર્મચારી ક્રિસ્ટોફર વાઈલીએ જણાવ્યું છે કે, ગેરરીતિપૂર્વક એકત્ર કરવામાં આવેલો ફેસબુક ઇન્ડસ્ટ્રીઝના યૂઝર્સનો ડેટા રશિયામાં સ્ટોર થયેલો હોઈ શકે છે.

વાઈલીએ વધુમાં કહ્યું હતું કે, એકત્ર થયેલો ડેટા રશિયા સહિત વિશ્વના વિવિધ વિસ્તારમાં હોઈ શકે છે. વાઈલીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રાધ્યાપક એલેક્ઝાન્ડર કોગાન તરફ કદાચ ઈશારો કરતાં એમ પણ જણાવ્યું હતું કે, 'ડેટા હાર્વેસ્ટિંગ પ્રક્રિયાને મેનેજ કરી રહેલા પ્રોફેસર બ્રિટન અને રશિયા વચ્ચે આંટાફેરા મારતા હતા.' ફેસબુક યૂઝર્સની માહિતી કેટલા લોકો સુધી પહોંચી છે તે કળી શકાય તેમ નથી કારણ કે અનેક લોકો તેમાં સંકળાયેલા હતા.

જે ફેસબુક પ્રોફાઈલ્સની માહિતી લંડન સ્થિત એનાલિટિકા કંપની સુધી પહોંચી હતી તેમની સંખ્યા અગાઉ પાંચ કરોડ અંકાઈ હતી. આ સપ્તાહે ફેસબુકે આ આંકડો વધારીને 8.7 કરોડ હોવાની સ્પષ્ટતા કરી છે. વાઈલીએ આશંકા વ્યક્ત કરી છે કે આંકડો તેનાથી પણ મોટો હોઈ શકે છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ આ કેસમાં કોંગ્રેસની પેનલ સમક્ષ જુબાની પણ આપવાના છે.

બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીએ અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને પ્રભાવિત કરવા 8.7 કરોડ ફેસબુક પ્રોફાઇલ ડેટાની ઉઠાંતરી કરી હોવાના થઈ રહેલા આક્ષેપ વચ્ચે ફેસબુકે જણાવ્યું છે કે તેણે કેનેડાની રાજકીય કન્સલ્ટિંગ ફર્મને સસ્પેન્ડ કરી છે. ફેસબુકે નિવેદનમાં જણાવ્યું છે કે કેનેડાની એગ્રેગેટઆઈક્યુ કંપનીની આ પ્રકરણમાં ભૂમિકા હોવાની શંકા સેવાઈ રહી હોવાથી તે કંપની હવે ફેસબુક એક્સેસ નહીં કરી શકે.

(9:48 am IST)