Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

દિવા સ્વપ્નો નહી, હકીકતમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ૩૨૪.૫૦ કરોડની ખાસ જોગવાઇઓ

ડામર - પેવર રોડના એકશન પ્લાનમાં ૧ કરોડ વધારી ૨ કરોડની જોગવાઇથી શહેરની ધોરીનસ સમાન રસ્તાઓનું નવીનીકરણ

રાજકોટ તા. ૧૦ : સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, ૨૦૨૦-૨૧ના બજેટમાં 'દિવા સ્વપ્નો' સમી યોજનાઓ મુકવાને બદલે નાગરિકોને રસ્તા - ગટર - પાણીની જે મુખ્ય જરૂરીયાત છે તેને વધુ સુદ્રઢ બનાવવા ઉપર ભાર મુકાયો છે અને આથી સ્ટેન્ડીંગ કમિટિએ ઘણા વર્ષો બાદ ડામર રોડ - પેવર કામના એકશન પ્લાનમાં ૧ કરોડનો વધારો કરી ૨ કરોડની જોગવાઇ કરી છે. આ ઉપરાંત અન્ય પ્રાથમિક સુવિધાઓના ઇન્ફ્રસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે કુલ ૩૨૪.૫૦ કરોડની જોગવાઇઓ કરાઇ છે.

વોર્ડ દીઠ એકશન પ્લાનની ગ્રાન્ટમાં વધારો

એકશન પ્લાનમાં રસ્તા કામ માટે કમિશનરશ્રી દ્વારા વોર્ડ દીઠ રૂ.૧ કરોડ સૂચવવામાં આવેલ તેમાં વધારો કરી, સ્ટેન્ડિંગ કમિટીએ વોર્ડ દીઠ રૂ.૨ કરોડની ફાળવણી કરેલ છે. જેને લીધે, શહેરના તમામ વોર્ડનો સર્વાંગી, સમતોલ અને સુનિશ્યિત દિશામાં વિકાસ થશે.

સારી ગુણવત્તાવાળા રસ્તા એ કોઈ પણ શહેરના વિકાસ માટેની ધોરી નસ સમાન છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ટી.પી. રસ્તા માટે રૂ.૨૦ કરોડ, એકશન પ્લાનના રસ્તા માટે રૂ.૧૫ કરોડ તથા ડી.આઈ. ના કામો પુરા થયા હોય ત્યાં રિકાર્પેટ માટે રૂ.૭ કરોડ તથા રસ્તાના અન્ય કામો માટે ૧૪ કરોડ એમ કુલ રૂ.૫૬ કરોડની જોગવાઈ કરેલ તેમાં, સ્ટેન્ડિંગ કમિટીએ વધારો કરી, ટી.પી. રસ્તા માટે વિશેષ રૂ.૧૦ કરોડ, એકશન પ્લાનના રસ્તા માટે વિશેષ રૂ.૧૫ કરોડ તથા ડી.આઈ. ના કામો પુરા થયા હોય ત્યાં રિકાર્પેટ માટે વિશેષ રૂ.૧૦ કરોડ મળી, રસ્તા કામ માટે કુલ ૯૧ કરોડની જોગવાઈ કરેલ છે.

ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક

શહેરમાં દાયકાઓ જુની એસી પ્રેશર પાઈપલાઈનને લીધે પાણી લીકેજ થાય છે તેમજ મેઇન્ટેનન્સ ખર્ચ વધવા પામેલ છે. શહેરીજનોને અવિરત પાણી પૂરવઠો મળી રહે તે માટે આ પાઈપલાઈનને બદલીને શહેરના જુદા જુદા વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવાની કામગીરી ગતિમાં છે. શહેરમાં ડી.આઈ. પાઈપલાઈન નાખ્યા બાદ ૧૮,૦૦૦થી વધુ નળ કનેકશન આપવામાં આવ્યા છે. ડી.આઈ. પાઈપલાઈન નાખવાની આ કામગીરી ઝડપથી અને સમય મર્યાદામાં પુર્ણ થાય તે માટે રૂ.૨૮.૫૦ કરોડની જોગવાઈ કરેલ છે. 

અન્ડરબ્રિજ - ઓવરબ્રિજ

સૌરાષ્ટ્ર પ્રદેશની આર્થિક રાજધાની ગણાતું રાજકોટ શહેરની અંદાજીત માનવવસ્તી ૧૭ લાખથી વધુ છે. આસપાસના ગામો શહેરોમાંથી દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ધંધાર્થીઓની આ શહેરમાં આવનજાવન રહે છે. શહેરમાં દર વર્ષે ૫૦,૦૦૦ થી વધુ ટુ / ફોર વ્હીલર વાહનોનો ઉમેરો થાય છે. જેને લીધે, શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કુલ રૂ.૨૫૫.૭૫ કરોડના ખર્ચે ગ્રીનલેન્ડ ચોકડી પાસે, જડુશ રેસ્ટોરન્ટ પાસે, ઉમિયા ચોક પાસે, નાનામવા ચોકમાં, રામાપીર ચોકમાં ફલાયઓવર બ્રિજ તેમજ કે.કે.વી. ચોક પાસે અન્ડરબ્રિજ નિર્માણ કરવામાં આવશે.

(3:36 pm IST)