Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

મહારાષ્ટ્ર સરકારે રાજ્યપાલ, ફડનવીશ, રાજ ઠાકરે સહિતના નેતાઓની સુરક્ષામાં ઘટાડો કર્યો : ભાજપ પ્રદેશ અધ્યક્ષની સુરક્ષા પાછી ખેંચી

ફડનવિસને હવે Z પ્લસના સ્થાને એસ્કોર્ટ સાથે વાય-પ્લસ સુરક્ષા : તેમના પત્ની અમૃતા ફડનવિસ અને દીકરી દિવિજાની વાય પ્લસ વિથ એસ્કોર્ટ સુરક્ષાને હટાવીને એક્સ કેટેગરી કરાઈ

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડનવિસ અને તેના પરિવાર તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સહિતના કેટલાક નેતાઓની સુરક્ષામાં ઘટાડો કર્યો છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલની સુરક્ષા પરત ખેંચી લીધી છે.

આ મામલે મુંબઈ ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ સરકાર પર નિશાન સાધતા આ નિર્ણયને બદલાનું રાજકારણ કહ્યું છે. આ મુદ્દે ફડનવિસે પલટવાર કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે તેઓના પ્રવાસ કાર્યક્રમ કે જનતા સાથેની મુલાકાત પ્રભાવિત નહીં થાય.

મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે વિપક્ષ ભાજપના દાવાને ફગાવતા કહ્યું કે, રાજકીય નેતાઓની સુરક્ષામાં તેમના પર પ્રવર્તમાન ખતરાની ધારણા બાદ ફેરફાર કરાયો છે. સરકાર દ્વારા 8 જાન્યુઆરીએ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે ફડનવિસને હવે ઝ પ્લસના સ્થાને એસ્કોર્ટ સાથે વાય-પ્લસ સુરક્ષા પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત તેમના પત્ની અમૃતા ફડનવિસ અને દીકરી દિવિજાની વાય પ્લસ વિથ એસ્કોર્ટ સુરક્ષાને હટાવીને એક્સ કેટેગરી કરાઈ છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈકને હવે વાય-પ્લસને બદલે વાય શ્રેણીની સુરક્ષા મળશે. મનસે પ્રમુખ રાજ ઠાકરેનું સુરક્ષા કવચ પણ ઝેડથી ઘટાડીને વાય પ્લસ વિથ એસ્કોર્ટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે, ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ, વરિષ્ઠ નેતા સુધિર મુંગટીવારની સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય લેવાયો છે. રાણેને વાય પ્લસ સુરક્ષા પુરી પાડવામાં આવતી હતી. રાજ્યના લોકાયુક્ત એમ એલ તહિલિયાનીની સુરક્ષા ઝેડથી ઘટાડીને વાય કરવામાં આવી છે.

(6:13 pm IST)