Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

રાજકોટ સહિતના શહેરોમાં જોયઆલુક્કાસમાં ઇન્કમટેક્ષ ખાતુ ત્રાટકયું

ચેન્નાઇની તપાસમાં કનેકશનની શંકાએ રાજકોટ, અમદાવાદ, વડોદરાના જોયઆલુક્કાસ શો-રૂમ ઉપર પણ તપાસઃ શો-રૂમમાં સ્ટોક, ખરીદ-વેચાણની તપાસ કરતા IT અધિકારીઓ - જ્વેલર્સ આલમમાં ચર્ચા

રાજકોટ, તા. ૧૦ : દેશની ટોચની જવેલર્સ ગ્રુપ જોયઆલુક્કાસ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડયા છે.

જાણવા મળતી વિગત મુજબ સોના-ચાંદી-ડાયમંડના દાગીના બનાવતી દેશની ટોચની જોયઆલુક્કાસમાં તાજેતરમાં ઇન્કમટેકસ વિભાગે દરોડા પાડયા હતાં. આ અંગે રાજકોટ બ્રાંચનું કનેકશન હોવાની આશંકાએ રાજકોટ ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.

રાજકોટ આવકવેરા વિભાગની ગુપ્તચર બ્રાંચ દ્વારા યાજ્ઞિક રોડ નજીક આવેલ જોયાલુકાશના શોરૂમ ઉપર સવારે ૧૦ વાગ્યે તપાસ હાથ ધરી છે.

ચેન્નાઇ સહિત દેશભરમાં ર૦થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. ઇન્વેસ્ટીગેશન વીંગના ડાયરેકટર શ્રી પંકજ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ મનીષ અજુડીયા, વી.એન. ડાંગર સહિતના તપાસમાં જોડાયા છે.

દરમિયાન રાજકોટ, અમદાવાદ બાદ વડોદરામાં પણ અલ્કાપુરી ખાતે આવેલા જોયઆલુક્કાસ શો-રૂમ ઉપર તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં આવેલા જાણીતી જવેલરી શોપ જોયઆલુક્કાસમાં આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં લગભગ આટી વિભાગના ૮ અધિકારીઓની ટીમે સર્ચ હાથ ધર્યું છે. તેઓ સોના-ચાંદીના ખરીદ-વેચાણના રકોર્ડનું સર્વે કરી રહ્યાં છે. જોકે, હાલ કોઇ બેનામી વ્યવહારની માહિતી બહાર આવી નથી.

ચેન્નઇમાં જોયઆલ્લુકાસના શોરૂમ પર આવકવેરા વિભાગે સર્વે-સર્ચની કામગીરી હાથ ધરી હતી. ત્યાંની તપાસમાં આવક-જાવકના તેમજ ખરીદ વેચાણના હિસાબો ચકાસવામાં આવ્યા હતા.

જેમાં રાજકોટ કનેકશન ખુલ્યું હતું. જેને કારણે રાજકોટ ઇન્કમ ટેક્ષ ઇન્વેસ્ટીગેશન વીંગે પણ સ્થાનિક લેવલે તપાસ હાથ ધરી હતી અને ત્રિકોણ બાગ ખાતે આવેલ જોયઆલ્લુકાસના શો રૂમમાં આવકવેરાના અધિકારીઓ તપાસ માટે પહોંચી ગયા હતા. આથી સ્થાનિક જવેરીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

(2:56 pm IST)