Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

નોટબંધી બાદ હવે 'સિક્કા બંધી' ? ટંકશાળોમાં પ્રોડકશન બંધ

રિઝર્વ બેંક પાસે ચલણી સિક્કાનો જંગી ભરાવો થઇ જતા નોઇડા, મુંબઇ, કોલકતા અને હૈદરાબાદની ટંકશાળોમાં ગઇકાલથી ઉત્પાદન થંભાવી દેવાયુઃ બજારમાં અગાઉ ૧, ર, પ રૂ.ના સિક્કાની ભારે અછત હતી, હવે છુટથી મળે છેઃ જો કે ૧૦ના સિક્કાઓની લેવડદેવડ નહીવત

નવી દિલ્હી તા.૧૦ : કેન્દ્રની મોદી સરકાર સત્તામાં આવી તેને ચાર વર્ષ પુરા થવામાં છે. અત્યાર સુધી પોતાના કાર્યકાળમાં મોદી સરકારે આર્થિક મોરચે મોટા સુધારાવાળા નિર્ણયો લીધા છે. નોટબંધી બાદ સરકાર વધુ એક મોટો નિર્ણય લેવા જઇ રહી છે. સરકાર નોટબંધી બાદ હવે 'સિક્કા બંધી'ની તૈયારી કરી રહી છે. નોઇડા, મુંબઇ, કોલકતા અને હૈદરાબાદની સરકારી ટંકશાળોમાં સિક્કાનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યુ છે. ભારત સરકાર તરફથી આ ચારેય જગ્યાએ જ સિક્કા બનાવવામાં આવે છે. રિઝર્વ બેંકના અધિકારીએ જણાવ્યુ છે કે મંગળવારથી જ સિક્કા બનાવવાનુ કામ બંધ કરી દેવાયુ છે.

 

આની પાછળનો તર્ક આપવામાં આવે છે કે નોટબંધી બાદ મોટી સંખ્યામાં સિક્કા બનાવવામાં આવ્યા હતા જે અત્યાર સુધી રિઝર્વ બેંકના સ્ટોરમાં મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. એક નોટીસનુ માનીએ તો ૮મી જાન્યુઆરી સુધીમાં રપ૦૦ એમપીસીએસ સિક્કાનો સ્ટોરેજ છે. આ જ કારણે રિઝર્વ બેંકે આવતા આદેશ સુધી સિક્કાનું ઉત્પાદન બંધ કરી દીધુ છે.

મોદી સરકારે ૮ નવેમ્બર ર૦૧૬ના રોજ નોટબંધી લાગુ કરી હતી જે હેઠળ પ૦૦ અને ૧૦૦૦ની નોટને ગેરકાનૂની જાહેર કરવામાં આવેલ હતી. ભ્રષ્ટાચાર અને કાળા નાણાને સમાપ્ત કરવા લાગુ કરાયેલી નોટબંધી બાદ દેશમાં અફડાતફડી મચી ગઇ હતી. પ૦૦ અને ર૦૦૦ની નવી નોટ જાહેર કરવામાં આવી. નોટબંધીના ફેંસલાથી દેશમાં એક સાથે ૮પ ટકા કરન્સી રદ કરવામાં આવી હતી.

અત્રે એ નોંધનીય છે કે અગાઉ ચલણી સિક્કાની ભારે તંગી રહેતી હતી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પરંતુ હવે આ અછત દુર થવા પામી છે. બેંકોમાંથી જોઇએ તેટલુ પરચુરણ મળી રહ્યુ છે રૂ.૧ અને રના સિક્કા છુટથી મળે છે. જયારે પના સિક્કાની ડિમાન્ડ વધુ રહે છે તેની થોડી અછત દેખાય છે જયારે રૂ.૧૦ના સિક્કાની લેવડદેવડથી લોકો દુર રહેતા હોય છે. જો કે ૧૦નો સિક્કો ચલણમાં છે જ. (૩-પ)

(11:36 am IST)