Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

આંગડિયાઓમાં ફફડાટ: GSTની રેઇડમાં ૮૫ જણ પાસેથી ૯૪ કરોડ રૂપિયાનો માલ પકડાયો

મુંબઇ તા. ૧૦ : પહેલી વાર જ GST વિભાગે છાપો મારી આંગડિયા દ્વારા લાવવામાં આવેલા પેકેટોમાં આવેલી ૯૪ કરોડ રૂપિયાની માલમતા જપ્ત કરી છે. જપ્ત કરવામાં આવેલી માલમતામાં રિયલ ડાયમન્ડ, સોનાની બિસ્કિટ, જવેલરી અને રોકડ રકમ વગેરેનો સમાવેશ છે.

૮૫ આંગડિયા દ્વારા ગુજરાતથી મુંબઈ લાવવામાં આવેલાંઙ્ગ પાર્સલ પાંચ જાન્યુઆરીએ GST વિભાગે તાબામાં લીધાં હતાં. આંગડિયા કર્મચારી પાસે આ પાર્સલના સંબંધિત ડોકયુમેન્ટ્સ ન હોવાથી તાબામાં લેવામાં આવ્યાં હતાં. એમાં ૬૯ કરોડ રૂપિયાના હીરા, ૧૬ કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને ત્રણ કરોડ રૂપિયાની સોનાની બિસ્કિટ છે તેમ જ ચાર કરોડ રૂપિયાની રોકડ અને ૬૦ લાખ રૂપિયાની ફોરેન કરન્સીનો સમાવેશ છે. જપ્ત કરવામાં આવેલી સોનાની બિસ્કિટ દાણચોરીનો ભાગ છે કે વિદેશથી લાવવામાં આવી છે એની પણ GST વિભાગ અને ઇન્કમ-ટેકસ વિભાગ તપાસ કરી રહ્યા છે.

GST કમિશનર કે. એન. રાઘવને કહ્યું હતું કે 'ગુજરાતથી લાવવામાં આવેલી ૯૦ બેગ જપ્ત કરવામાં આવી છે એમાં ૧૦૪૨ મોટી રકમનાં પાર્સલ હતાં જેમાંથી ફકત ૨૦૦ પાર્સલધારકો પાસે જ GST સંબંધિત ડોકયુમેન્ટ્સ હતા તેમ જ ૮૪૨ પાર્સલધારકો પાસે ડોકયુમેન્ટ્સ નહોતા. એથી આ પાર્સલની તપાસ કરવામાં આવી રહી છે.'

હીરાના વેપારી નરેશ મહેતાએ કહ્યું હતું કે 'આ પ્રકરણ ટેકસ સંબંધિત નથી, પરંતુ પેપરવર્ક સંબંધિત છે. જરૂરી એવા ડોકયુમેન્ટ્સ ન હોવાથી GST અધિકારીઓએ પાર્સલ જપ્ત કર્યાં છે. હું ડોકયુમેન્ટ્સ આપ્યા પછી પાર્સલ છોડાવી લઈશ. ગુજરાત અને મુંબઈ વચ્ચે છેલ્લાં ૫૦ વર્ષથી વિશ્વાસ પર હીરા અને જવેલરીનું ટ્રાન્સપોર્ટેશન થાય છે.'(૨૧.૧૫)

(11:35 am IST)