Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

પ્રિવેન્સન ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળ રોકડ વ્યવહારની લીમીટ ઘટાડવા તૈયારી

સરકાર નિયમો કડક બનાવવા જઇ રહી છેઃ કાળુ નાણુ સફેદ થતુ રોકવા પગલુ

નવી દિલ્હી તા.૧૦ : સરકાર એન્ટી મની લોન્ડરીંગના નિયમોને કડક બનાવવાની તૈયારી કરી રહી છે જે હેઠળ પ૦ હજાર રૂપિયાથી વધુની લેવડ-દેવડ ઉપર અનિવાર્ય માહીતી આપવાના રિપોર્ટીંગ એન્ડ મેઇનટેનન્સ ઓફ રેકોર્ડના નિયમોને પણ કડક બનાવાશે કે જેથી કાળા નાણાને સફેદ બનાવવા ઉપર પ્રતિબંધ આવી જાય. હાલના પ્રિવેન્સન ઓફ મની લોન્ડરીંગ એકટના નિયમો હેઠળ ૧૦ લાખ રૂ.થી વધુની તમામ રોકડ લેવડ-દેવડ અંગે આ પ્રકારની માહિતી આપવી પડે છે. આ જ પ્રકારે દેશની બહાર પ લાખ રૂપિયાથી વધુના ક્રોસ બોર્ડર વાયર ટ્રાન્સફર અને પ૦ લાખ રૂપિયાથી વધુની સ્થાવર મિલ્કતના ખરીદ વેચાણ પર આ પ્રકારની માહિતી આપવાની જરૂર રહે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કેશ ટ્રાન્ઝેકશનની લીમીટ ઘટાડીને ર લાખ કરવામાં આવે તેવી શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે, પ્રિવેન્સન ઓફ મની લોન્ડરીંગ એકટની જોગવાઇ હેઠળ બેંકો, નાણાકીય સંસ્થાઓ જેવી રિપોર્ટીંગ એકમો અને વચેટીયાઓ જેમ કે શેરબ્રોકરો અને ગ્રાહકોની ઓળખ સત્યાપિત કરવા, રેકોર્ડ રાખવા અને નાણાકીય ગુપ્ત એકમને તેની માહિતી આપવાની રહે છે એ પછી ફાઇનાન્સીયલ ઇન્ટેલીજન્સ યુનિટ માહિતીનું વિશ્લેષણ કરે છે અને તે અન્ય એજન્સીઓને સોંપે છે. આયકર કાનૂનના નિયમ હેઠળ ર લાખથી વધુના ઘરેણાની ખરીદી ઉપર પણ પાન નંબર આપવો પડે છે. માહિતી ઉપલબ્ધ કરાવતુ એકમ બનાવી તેને પ્રિવેન્સન ઓફ મની લોન્ડરીંગ એકટની જોગવાઇ હેઠળ રોકડ લેવડ-દેવડની માહિતી આપવાનુ અનિવાર્ય કરાશે. આનાથી કાળુ નાણુ સફેદ બનતુ અટકશે. સુત્રોના કહેવા મુજબ પ્રિવેન્સન ઓફ મની લોન્ડરીંગ એકટમાં બીજી કેટલીક સંસ્થાઓને પણ જોડાશે.

(11:28 am IST)