Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

ઇન્કમટેક્ષમાં સ્ટાન્ડર્ડ ડિડકશન ફરી લાગુ કરવા તૈયારી

બજેટમાં જાહેરાતની સંભાવનાઃ ર૦૦૪-૦પ સુધી સ્ટાન્ડર્ડ ડિડકશનની સુવિધા હતીઃ બે સ્લેબ હતાઃ પ લાખ રૂપિયા સુધીના સ્લેબમાં સૌથી વધુ ડિડકશન શકય બનશે જયારે ૧૦ લાખ રૂ. સુધીના સ્લેબમાં ડિડકશન ઓછુ રહેશે તો ૧૦ લાખ રૂ.થી વધુના સ્લેબ માટે ફલેટ ડિડકશન રહી શકે છેઃ સરકાર કેપીટલ ગેઇન્સ ટેકસમાં પણ ફેરફાર કરશે

નવી દિલ્હી તા.૧૦ : મોદી સરકાર લોકસભાની ચૂંટણી પહેલા ૧લી ફેબ્રુઆરીના રોજ તેનુ અંતિમ પુર્ણ બજેટ રજુ કરશે જેમાં ઇન્કમટેક્ષમાં સ્ટાન્ડર્ડ ડિડકશનની વ્યવસ્થા ફરીથી લાગુ થાય તેવી જોગવાઇ હશે તો બીજી તરફ કેપીટલ ગેઇન ટેકસમાં પણ સરકાર ફેરફાર કરી શકે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે બજેટમાં સરકાર સ્ટાન્ડર્ડ ડિડકશન ફરી લાવવાનુ એલાન કરી શકે છે. ટેકસ સ્લેબના હિસાબથી ડિડકશનના દરો અલગ-અલગ રહેશે. પ લાખ રૂપિયા સુધીના સ્લેબમાં સૌથી વધુ ડિડકશન શકય બનશે જયારે ૧૦ લાખ રૂ. સુધીના સ્લેબમાં ડિડકશન ઓછુ રહેશે તો ૧૦ લાખ રૂ.થી વધુના સ્લેબ માટે ફલેટ ડિડકશન રહી શકે છે.

આનો અર્થ એ છે કે પ થી ૧૦ લાખ રૂ. સુધીના આવકવાળા સ્લેબમાં સેલેરીનુ નક્કી ટકાવારી સ્ટાન્ડર્ડ ડિડકશનના સ્વરૂપમાં કરદાતાને મળી શકે છે. અત્રે એ નોંધનીય છે કે સ્ટાન્ડર્ડ ડિડકશનની રકમ પર ઇન્કમટેક્ષ આપવો પડતો નથી અને સ્ટાન્ડર્ડ ડિડકશનની રકમ પર ટેકસ બચાવવા માટે કોઇ પુરાવો આપવો પડતો નથી. ર૦૦૪-૦પ સુધી સ્ટાન્ડર્ડ ડિડકશનની સુવિધા મોજુદ હતી. પહેલા સ્ટાન્ડર્ડ ડિડકશનના બે સ્લેબ હતા. પ લાખ સુધીના પગારવાળા માટે ૩૦ હજાર રૂ. કે ૪૦ ટકા (જે પણ ઓછુ) સુધીનું ડિડકશન હતુ તો પ લાખથી વધુ પગારવાળા માટે ર૦ હજાર રૂ. સુધીના ડિડકશનની જોગવાઇ હતી.

આ સિવાય બજેટમાં કેપીટલ ગેઇન ટેકસમાં ફેરફાર થવાની શકયતા છે. બજેટમાં લીસ્ટેટ શેરમાં રોકાણ પર ટેકસમાં બદલાવની શકયતા છે. બજેટમાં લીસ્ટેડ શેરોમાં રોકાણ પર શોટટર્મ કેપીટલ ગેઇન ટેકસનો ગાળો એક વર્ષથી વધારી બે કે ત્રણ વર્ષ સુધી કરવામાં આવે તેવી શકયતા છે. હાલ ઇકવીટી અને ઇકવીટી મ્યુ.ફંડ પર ૧પ ટકાના દરથી શોટટર્મ કેપીટલ ગેઇન ટેકસ લાગે છે તો ૩ વર્ષથી ઓછા હોલ્ડીંગ પર સોના અને રિયલ એસ્ટેટ પર પણ શોટટર્મ કેપીટલ ગેઇન ટેકસ લાગે છે. આ સિવાય સોનુ, રિયલ એસ્ટેટ અને ડેટ મ્યુ.ફંડ પર હાલ ર૦.૬ ટકાના દરથી લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકસ લાગે છે.

નાણા મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રસ્તાવોને અંતિમ ઓપ અપાયો છે. પીએમની મંજુરીની રાહ જોવાય છે. અત્રે એ નોંધનીય છે શોટટર્મ કેપીટલ ગેઇન ટેકસ હેઠળ જો કોઇ શેર ખરીદયા બાદ એક વર્ષ સુધી પોતાની પાસે રાખે અને પછી તે વેચે તો તેણે કેપીટલ ગેઇન ટેકસ આપવો નહી પડે. એક વર્ષ પહેલા શેર વેચવા પર તેણે કેપીટલ ગેઇન ટેકસ આપવો પડશે.(૩-૩)

(10:51 am IST)