Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

ગુડ ન્યુઝ... ર૦૧૮માં ૭.૩%ના દરે વધશે ભારતની અર્થવ્યવસ્થા

વિશ્વ બેંકની ભવિષ્યવાણીઃ મોદી સરકાર માટે રાહતના સમાચારઃ ચીનને પછાડી દ.એશિયામાં રાજ કરશે ભારતઃ ચીનથી વધુ ઝડપથી આગળ વધશે ભારતનો વિકાસ દરઃ આવતા બે વર્ષમાં ભારતનો વિકાસ દર ૭.પ% રહેશેઃ ભારતની બની રહી છે મોટી તસ્વીરઃ ભારત પાસે વિશાળ ક્ષમતાઃ આવતો દાયકો ભારતનો

નવી દિલ્હી તા.૧૦ : સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (સીએસઓ) તરફથી નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે અને આ આંકડા અનુસાર ભારત વિશ્વની એક એવી ઉભરતી અર્થવ્યવસ્થા છે જયાં વિકાસ દર બાકીના દેશોની સરખામણીમાં વધુ છે. આ આંકડાઓ બાદ વિકાસ દરનું અનુમાન ઘટવાને લઇને ટીકાઓથી ઘેરાયેલી મોદી સરકારને થોડી રાહત મળી છે. સીએસઓ વર્લ્ડ બેંકનો હિસ્સો છે અને વર્લ્ડ બેંકનું માનીએ તો આ મહત્વકાંક્ષી સરકારમાં થઇ રહેલા વ્યાપક સુધારા સાથે ભારતમાં વિશ્વની અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓની તુલનામાં વિકાસની અનેકગણી ક્ષમતા છે.

વર્લ્ડ બેંક દ્વારા ર૦૧૮ માટે ભારતનો વિકાસ દર ૭.૩ ટકા રહેવાનુ અનુમાન જણાવવામાં આવ્યુ છે એટલુ જ નહી વિશ્વ બેંકના અનુમાન મુજબ ભારત આવતા બે વર્ષોમાં ૭.પ ટકાના દરથી આગળ વધી શકે છે. વર્લ્ડ બેંકે ર૦૧૮ ગ્લોબલ ઇકોનોમીક પ્રોસપેકટ રિલીઝ કરેલ છે જે અનુસાર નોટબંધી અને જીએસટીથી લાગેલા આંચકા છતાં ર૦૧૭માં ભારતનો વિકાસ દર ૬.૭ ટકા રહેવાનુ અનુમાન છે.

વર્લ્ડ બેંકના ડેવલપમેન્ટ પ્રોસપેકટ ગ્રુપના વડા કોસેના જણાવ્યા પ્રમાણે આવતા દાયકામાં ભારત વિશ્વની બીજી ઉભરતી અર્થવ્યવસ્થાની તુલનામાં ઉચ્ચ વિકાસ દર મેળવવા જઇ રહ્યુ છે તેમણે કહ્યુ છે કે શોર્ટટર્મ આંકડા પર અમારૂ ફોકસ નથી. ભારતની જે મોટી તસ્વીર બની રહી છે કે તે જણાવે છે કે તેમાં મોટી ક્ષમતા છે. તેમણે ધીમી પડતી ચીની અર્થવ્યવસ્થાની સરખામણી કરતા કહ્યુ હતુ કે, ભારત વિકાસના રસ્તે આગળ વધશે. વર્લ્ડ બેંકના આ રિપોર્ટના લેખક કોસેએ કહ્યુ છે કે ભારતના ૩ વર્ષના વિકાસના આંકડા સારા છે.

રિપોર્ટ અનુસાર ર૦૧૭માં ચીન ૬.૮ ટકાની ઝડપથી આગળ વધ્યુ જે ભારત કરતા ૦.૧ ટકા વધુ છે. ર૦૧૮માં ચીન માટે અનુમાન ૬.૪ ટકા વિકાસ દરનો છે આવતા બે વર્ષમાં તે ઘટીને ક્રમશઃ ૬.૩ ટકા અને ૬.ર ટકા કરી દેવામાં આવેલ છે. કોસેના કહેવા મુજબ લેબર માર્કેટ રિફોર્મ, શિક્ષણ, સ્વાસ્થ્યમાં સુધાર અને નિવેશના રસ્તે આવતી બાધાઓ દુર કરવાથી ભારતની સંભાવનાઓ વધુ વધશે. તેમણે કહ્યુ છે કે આવતા દાયકામાં ભારતનો વિકાસ દર ઉચ્ચતમ સ્તરે રહેશે. તેમણે કહ્યુ છે કે ભારત સામે બેરોજગારી મોટો પ્રશ્ન છે. જો આ પડકારોને નિપટવામાં સફળ રહે તો ભારત પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકશે. (૩-ર)

(2:58 pm IST)