Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

મોંઘા કઠોળથી મળશે રાહત: ચણા અને તુવેરદાળના ભાવ ટેકાની નીચે ગગડ્યા

નાફેડ દ્વાર ચણાનુ નીચા ભાવે વેચાણ અને આધાર કિંમતમાં ફેરફારથી વેપારીનું સેન્ટિમેન્ટ પ્રભાવિત થયુ

મુંબઇઃ ચણા દાળ અને તુવેર દાળ ભાવના સતત ઘટી રહ્યા છે અને તે હાલ મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) એટલે કે લઘુત્તમ ટેકાના ભાવથી નીચે જતા રહ્યા છે. જેનાથી લોકોને મોંઘવારીમાં થોડિંક રાહત મળવાની આશા છે બીજી બાજુ ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. એનસીડીઇએક્સ ખાતે ચણાનો માર્ચ ડિલિવરી વાળો વાયદો 46 રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થયો છે, જે તેની સરકાર દ્વારા નિર્ધારિત પ્રતિ કિગ્રા રૂ.51ની MSPથી નીચે છે.

ચણા દાળના ભાવ જે પહેલા 72 રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે પહોંચી ગયા તે હાલ 60 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે વેચાઇ રહી છે. અંદાજ મુજબ નાફેડ એ બફર સ્ટોકમાંથી 8 લાખ ટન ચણા ઠાલવ્યા છે, જ્યારે 3થી 4 લાખ ટન ચણા ખુલ્લા બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. તુવેરની માટે 4 લાખ ટન આયાત ક્વોટામાંથી લગભગ 3.25 લાખ ટન જથ્થો આગામી 31 ડિસેમ્બર પહેલા આવી જવાની સંભાવના છે.

ચણાના કિસ્સામાં સરકારે નાફેડ મારફતે બજારમાં હસ્તક્ષેપ કર્યુ હતુ, જેના પરિણામસ્વરૂપ ભાવમાં ઘટાડો આવ્યો છે. નાફેડ દ્વાર ચણાનુ નીચા ભાવે વેચાણ અને આધાર કિંમતમાં ફેરફારથી વેપારીનું સેન્ટિમેન્ટ પ્રભાવિત થયુ છે. તુવેર દાળની કિંમત, જેનો એક્સ મિલ ભાવ 120 રૂપિયા પ્રતિ કિગ્રા હતો, તે તાજેતરમાં ઘટીને 90થી 100 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ ગયો છે. ડિસેમ્બરના મધ્ય બાદ તુવેરના નવા પાકની લણણી શરૂ થઇ જશે. તુવેરની પુરતી આયાતને લીધે પણ તેના ભાવમાં ઘટાડો આવશે.

મહારાષ્ટ્રના લાતૂરના દાળ પ્રોસેસર નિતિન કલાંત્રીએ કહ્યુ કે, સરકારના બજાર હસ્તક્ષેપના કારણે કઠોળ-દાળની સપ્લાય ચેઇન સાથે જોડાયેલા લોકો વેપારથી દૂર થઇ રહ્યા છે. હવે જ્યારે ભાવ તેની MSPથી નીચે જવાના સંકેત આપી રહ્યા છે, મસૂર પર ફરીથી 30 ટકા આયાત જકાત લાદવાની જરૂર છે. નાફેડ એ MSP કરતા નીચા ભાવે ચણા કે અન્ય કઠોળ-દાળનું વેચાણ કરવાથી બચવુ જોઇએ.

(8:23 pm IST)