Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

રાજસ્‍થાનની પંચાયત ચૂંટણીમાં મુખ્‍યમંત્રી અશોક ગેહલોતનો જાદુ ન ચાલ્‍યોઃ કોંગ્રેસને જોરદાર ફટકોઃ પંચાયત અને જીલ્લા પરિષદમાં ભાજપનો જયજયકાર

જયપુર: રાજસ્થાનની પંચાયત ચૂંટણીમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતનો રાજકીય જાદુ ચાલી શક્યો નથી. કોંગ્રેસને પંચાયત ચૂંટણીમાં જોરદાર ફટકો લાગ્યો છે. રાજસ્થાનના 21 જિલ્લામાં યોજાયેલી જિલ્લા પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને હરાવ્યુ હતું. આટલુ જ નહી ગહેલોત કેબિનેટના પાંચ નેતાઓના જિલ્લામાં પણ કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે.

રાજસ્થાનમાં કુલ 4371 પંચાયત સમિતી પર ચૂંટણી યોજાઇ છે, જેમાંથી ભાજપે 1911 પંચાયત બેઠક જીતી છે જ્યારે કોંગ્રેસને 1780 પર જીત મળી છે. આ સિવાય 425 પંચાયતોમાં અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. બસપાના 3, એનસીપીના 1, આરએલપીના 56 અને સીપાઆઇએમે 16 પંચાયત સમિતીમાં જીત મેળવી છે.

બીજી તરફ, જિલ્લા પરિષદની કુલ 636 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી જેમાંથી કોંગ્રેસ 252 જ્યારે ભાજપ 353 બેઠક જીતવામાં સફળ રહ્યુ છે આરએલપી 10 બેઠક પર જીતી છે. આ સિવાય 18 અપક્ષ અને અન્ય બેઠક અન્યના ખાતામાં ગઇ છે. આ રીતે ભાજપ 14 જિલ્લામાં પોતાનો અધ્યક્ષ બનાવવામાં સફળ રહેશે જ્યારે કોંગ્રેસ માત્ર પાંચ જિલ્લામાં પોતાનો અધ્યક્ષ બનાવી શકશે. આ સિવાય નાગૌર જિલ્લામાં હનુમાન બેનીવાલની પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં છે. એવામાં ડૂંગરપુરમાં બીટીપીના હાથમાં જિલ્લા પ્રમુખની ચાવી હશે. પંચાયત ચૂંટણીમાં ભાજપની જીત પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શુભેચ્છા આપી છે.

ગહેલોતના મંત્રીઓના ગઢમાં હાર્યુ કોંગ્રેસ

ભાજપ,અજમેર, જાલોર, ઝાલાવાડ, ઝુંઝુનૂં, પાલી, રાજસમંદ, બાડમેર, ભીલવાડા, બૂંદી, ચિતૌડગઢ, ચૂરુ, સીકર, ટોંક અને ઉદયપુરમાં જિલ્લા પ્રમુખ બનાવવામાં સફળ રહેશે. બીજી તરફ કોંગ્રેસ બાંસવાડા, ભીલવાડા, પ્રતાપગઢ, હનુમાનગઢ અને જેસલમેર જિલ્લામાં જ પોતાના પરિષદ અધ્યક્ષ બનાવી શકશે. આ રીતે ગહેલોત કેબિનેટના રઘુ શર્માના અજમેર, ઉદયલાલ આંજનાના નિંબાહેડા, ગોવિંદ ડોટાસરાના લક્ષ્મણગઢ અને ખેલ રાજ્ય મંત્રી અશોક ચાંદનાના હિંડૌલી જિલ્લામાં કોંગ્રેસને હાર મળી છે. આ સિવાય પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટના ટોંક અને નાયબ ચીફ વ્હીપ મહેન્દ્ર ચૌધરીના વિસ્તાર નાવાંમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે.

(5:09 pm IST)