Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

મહત્વના પ્રોજેકટો અને નેશનલ હાઇવેના કામો સત્વરે પુરા કરાશે : કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરી

ગુજરાતમાં કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મંત્રાલય દ્વારા હાથ ધરાયેલ : કેન્દ્રીય મંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા કરી સમીક્ષા : રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સહભાગી બની વિસ્તૃત માહિતી આપી

રાજકોટ તા. ૯ : ગુજરાતમાં કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મંત્રાલય દ્વારા હાથ ધરાયેલ વિવિધ મહત્વના પ્રોજેકટો તથા નેશનલ હાઇવેના કામો સત્વરે પૂર્ણ થાય તે માટે આજે કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રીશ્રી નીતિન ગડકરીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી. રાજયના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આ કોન્ફરન્સમાં સહભાગી થઇને કેન્દ્ર સરકાર હસ્તકના વિવિધ માર્ગ વિકાસના પ્રોજેકટો ગુજરાતમાં ચાલી રહ્યાં છે તેની પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરીએ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં હાથ ધરાઇ રહેલ વિવિધ પ્રોજેકટો જેવા કે, દિલ્હી-મુંબઇ કોરીડોર, વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વે, શામળાજી-દિલ્હી એક્ષપ્રેસ-વે, દ્વારકા ખાતેનો સિગ્નેચર બ્રીજ, ચિલોડા થી સરખેજ એક્ષપ્રેસ-વે, ખાવડા-ધરમશાલા, પોરબંદર-દ્વારકા સહિતના વિવિધ પ્રોજેકટો અને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (એન.એચ.એ.આઇ.) હસ્તકના વિવિધ કામો અંગે થયેલ કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી આ કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. આ પ્રોજેકટોના કામોમાં જમીન સંપાદન, જરૂરી વિવિધ વિભાગની મંજૂરીઓ કે નાણાના પ્રશ્નો હોય તો તે કેન્દ્ર સરકાર સત્વરે આપશે તેવી ખાતરી પણ કેન્દ્રીય મંત્રીશ્રીએ આપી હતી. તેમણે આ કામો સત્વરે પૂર્ણ થાય તે માટે રાજય સરકારને ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને ઝડપથી કામગીરી કરવા પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપતાં કહ્યું કે, રાજયમાં ચોમાસાના કારણે નેશનલ હાઇવેના માર્ગોને જે નુકશાન થયુ છે તેના કામો હાથ ધરવામાં આવ્યાં છે તે સત્વરે પૂર્ણ કરવા પણ કેન્દ્રીય મંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો. સાથે-સાથે નેશનલ હાઇવે ઓથોરીટી હસ્તકના રસ્તાઓની મરામત પણ ઝડપથી થાય તે માટે રજુઆત કરી હતી. આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદિપ વસાવા સહિત માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(4:31 pm IST)