Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ચીન ભારતથી દોઢ ગણા વિસ્તારમાં હવામાન સુધારણા પ્રોગ્રામનું કરશે વિસ્તરણ

હોંગકોંગ તા. ૯ : ચીને આ અઠવાડિયે ૫૫ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પ્રાયોગીક હવામાન સુધારણાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, આ વિસ્તાર ભારતના કુલ વિસ્તાર કરતા દોઢ ગણો છે.

ચીની સ્ટેટ કાઉન્સીલના એક સ્ટેટમેન્ટ અનુસાર, ચીન પાસે ૨૦૨૫ સુધીમાં એક વિકસીત હવામાન સુધારણાની સીસ્ટમ હશે, જે ફન્ડામેન્ટલ રીસર્ચ અને ચાવીરૂપ ટેકનોલોજીને આભારી છે.

આગામી પાંચ વર્ષમાં ૫૫ લાખ ચોરસ કિ.મી.નો વિસ્તાર કૃત્રિમ વરસાદ અને હિમવર્ષા હેઠળ આવરી લેવાશે. જ્યારે ૫,૮૦,૦૦૦ ચોરસ કિમીનો વિસ્તાર હેઇલ સપ્રેશન ટેકનોલોજી હેઠળ આવરી લેવાશે. સ્ટેટમેન્ટમાં વધુમાં કહેવાયું છે કે આ પ્રોગ્રામ ડીઝાસ્ટર રાહત, કૃષિ ઉત્પાદન, જંગલ અને ઘાસના બીડોની આગ વખતે તાત્કાલિક કાર્યવાહી, વધારે તાપમાન અને દુકાળ વખતે મદદરૂપ થશે.

ચીને ઘણાં સમય પહેલાથી હવામાનને કંટ્રોલ કરવાનું કર્યું હતું. જેમાં ૨૦૦૮માં બૈજીંગ ઓલમ્પીક વખતે ઝાકળને ઘટાડવા અને વરસાદને રોકવા તેણે વાદળાઓને હટાવી દીધા હતા. ચીનની રાજધાનીમાં મહત્વની રાજકીય મીટીંગો વખતે ખુશનુમા હવામાન માણવા મળે તે માટે તે નજીકની ફેકટરીઓ બંધ કરાવીને હવામાન સુધારણા પણ કરતું હોય છે.

(3:21 pm IST)