Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

હેપ્પી બર્થે-ડે ટુ યુ સોનિયાજી...

ભારતીય રાજકારણના સૌથી સફળ મહિલા સોનિયા ગાંધીનો ૭૪મો જન્મદિન : ખેડૂતોના આંદોલનના કારણે તેઓ તેમનો જન્મદિન ઉજવવાના નથીઃ નરેન્દ્રભાઈએ શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ ભારતીય રાજકારણની આજની તારીખમાં સૌથી સફળ મહિલા અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીનો આજે ૭૪મો જન્મદિવસ છે. જોકે હાલ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે તેમણે ગઈકાલે જ જાહેર કરી દીધું હતું કે હું મારો બર્થ ડે ઊજવવાની નથી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોનિયાજીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.

૧૯૯૧માં રાજીવ ગાંધીની ચીકમંગલુરમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન થયેલી સૂસાઇડ બોમ્બર દ્વારા હત્યા બાદ સોનિયા ગાંધી વડા પ્રધાન બની શકે એવી પૂરી શકયતા હતી. પરંતુ તેમણે પી વી નરસિંહરાવને વડા પ્રધાન બનાવ્યા. નરસિંહરાવના શાસનમાં બાબરી મસ્જિદ તરીકે ઓળખાતો વિવાદાસ્પદ ઢાંચો તૂટ્યો અને એ સાથે મુસ્લિમોની કોંગ્રેસમાની શ્રદ્ઘા પણ ડગી ગઇ.

મૂળ ઇટાલીના સોનિયા ગાંધીએ ઇંદિરા ગાંધી વડા પ્રધાન હતાં ત્યારે તેમના મોટા પુત્ર પાઇલટ રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ કોઇ અકળ કારણસર તેમણે વરસો સુધી ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું નહોતું. જો કે ઇંદિરા ગાંધીને નાની પુત્રવધૂ મેનકા કરતાં સોનિયા માટે વધુ પક્ષપાત હતો. નરસિંહરાવની સરકાર ગયા પછી પણ એકવાર સોનિયાજીને વડા પ્રધાન બનવાની તક હતી પરંતુ ત્યારે રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત ડોકટર અબ્દુલ કલામે તેમને તક આપી નહોતી. એનાં કારણો અલગ હતાં.

૧૯૯૦ના દાયકાથી સોનિયા ગાંધી કોંગ્રેસના સર્વેસર્વા રહ્યાં છે. હિન્દી ભાષા પર પૂરતો કાબુ નહીં હોવા છતાં તેમણે સભાઓ ગજવી છે અને વિપક્ષોને હંફાવ્યાં છે. હાલ તેઓ પક્ષના કાર્યકારી પ્રમુખ છે. જાન્યુઆરીમાં નવા પ્રમુખ પસંદ કરવાના છે. સોનિયાજીની સૌથી મોટી કરૂણતાએ છે કે તેમને રાજકીય વારસ શોધ્યો જડતો નથી. રાહુલ ગાંધીમાં વૈચારિક પ્રૌઢિ (મેચ્યોરિટી)નો અભાવ છે એવું મોટા ભાગના રાજકીય સમીક્ષકો માને છે, એક સમયના કોંગ્રેસના સાથીદાર હાલ એનસીપીના પ્રમુખ ખુદ શરદ પવારે તાજેતરમાં એવોજ અભિપ્રાય ઉચ્ચાર્યો હતો કે રાહુલ ગાંધીમાં રાજકીય સ્થિરતા (કન્સીસ્ટન્સી) નથી. ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ પણ પોતાની આત્મકથામાં રાહુલની ટીકા કરી હતી.

(3:19 pm IST)